બંધ થવા જઈ રહી છે 100 રૂપિયાની જુની નોટ? જાણો વાયરલ દાવો કેટલો સાચો?
સોશિયલ મીડિયા પર સતત કોઈને કોઈ દાવા થતા રહે છે. હવે દાવો કરાઈ રહ્યો છે કે સરકાર બહુ જલ્દી સો રૂપિયાની જુની નોટ બંધ કરવા જઈ રહી છે.
વાયરલ દાવામાં ભારતીય રિઝર્વ બેંકને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે 31 માર્ચ 2024 સુધી જૂની નોટો બદલી શકાશે. તે પછી તેમની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને તેને સ્વીકારવામાં નહીં આવે.

સોશિયલ મીડિયા પર પોસ્ટમાં 100 રૂપિયાની જૂની નોટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ સાથે લખ્યું છે કે, આ 100 રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. RBIએ નોટો બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરી છે.
હકીકત તપાસ્યા બાદ આ વાયરલ દાવો ખોટો સાબિત થયો. સરકાર કે આરબીઆઈ દ્વારા એવો કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. વાયરલ દાવાને ચકાસવા માટે Google પર સંબંધિત સમાચાર શોધ્યા પરંતુ કોઈપણ પ્લેટફોર્મ પર આવા કોઈ સમાચાર મળ્યા નહીં.
આ પછી અમે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ તપાસી. વેબસાઈટ પર દાવા અંગે કોઈ સૂચના કે પ્રેસ રિલીઝ જોવા મળી નથી.
આરબીઆઈના સોશિયલ મીડિયા હેન્ડલ પર ક્યાંય પણ આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, RBIના X એકાઉન્ટ પર 19 જુલાઈ 2018ની એક પોસ્ટ ઉપલબ્ધ છે, જેમાં 100 રૂપિયાની નવી નોટનો ફોટો શેર કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જૂની નોટો પણ ચલણમાં રહેશે. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ દાવામાં કોઈ સત્ય નથી.












Click it and Unblock the Notifications
