યુપીમાં ભારે વરસાદનુ તાંડવ, છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત, સીએમ યોગીએ 4-4 લાખના વળતરનુ કર્યુ એલાન
UP Rain: છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 34 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાહત કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે જ્યારે ભારે વરસાદના કારણે 12 લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે, આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક અસરથી 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે જેઓ ઘાયલ થયા છે તેમને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે.
મળતી માહિતી મુજબ ઇટાવા, ઉન્નાવ, આગ્રા અને બલિયામાં વીજળી પડવાથી 1-1 વ્યક્તિના મોત થયા છે જ્યારે જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજ, ગાઝીપુરમાં 2-2 લોકોના મોત થયા છે, મૈનપુરીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સંત કબીર નગર જિલ્લામાં એક, બદાઉનમાં બે, બરેલીમાં ચાર, રાયબરેલીમાં પાંચ વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે એટાહ, કન્નૌજ, કૌશામ્બી જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત થયા છે. મુઝફ્ફરનગરમાં પણ ભારે વરસાદને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
તમને જણાવી દઈએ કે રવિવારે લખનૌ સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવાર અને મંગળવારે લખનૌ સહિત ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના 65 જિલ્લામાં વરસાદની ચેતવણી આપી છે. આજે સહારનપુર, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, બિજનૌર, અમરોહા, મુરાદાબાદમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ શહેરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
