Exclusive : બસ, બે ‘ગુરુવાર’ અને નક્કી થઈ જશે દેશનો ‘ગુરુ’!
અમદાવાદ, 15 એપ્રિલ : દેશમાં લોકસભા ચૂંટણી 2014 માટેની પ્રક્રિયા ધીમે-ધીમે વેગવંતી બનતી જાય છે. કુલ 543 બેઠકો માટે ગત 7મી એપ્રિલથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયા પણ આગળ વધતી જાય છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન થઈ ગયું છે અને આ સાથે જ 110 બેઠકોના ઉમેદવારોના ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો એટલે કે ઈવીએમમાં કેદ થઈ ચુક્યાં છે. આ ચાર તબક્કાના મતદાનમાં તો બહુમતી માટે જરૂરી 272 બેઠકો જેટલી બેઠકોનો જનાદેશ પણ નક્કી નથી થયો અને એટલે જ હવે પછીના તબક્કાઓમાં મહત્વના છે.
દેશમાં કુલ 9 તબક્કામાં સમ્પન્ન થનાર લોકસભા ચૂંટણી 2014માં હવે બાકી રહેલા 5 તબક્કાઓમાં 433 બેઠકો માટે મતદાન થશે અને તેમાં સૌથી મહત્વના તબક્કાઓ 17મી એપ્રિલ અને 24મી એપ્રિલના રોજ છે. આ બંને દિવસે કુલ 239 બેઠકો માટે મતદાન થવાનું છે. 17મી એપ્રિલ એટલે કે પાંચમા તબક્કામાં સૌથી વધુ 122 બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો 13 રાજ્યોની છે, તો છટ્ઠા તબક્કામાં 12 રાજ્યોની 117 બેઠકો માટે લોકો વોટ આપશે. પાંચમો અને છટ્ઠો તબક્કો વધુ બેઠકો હોવાના કારણે જ નહીં, પરંતુ મહત્વના રાજ્યોમાં મતદાન હોવાના કારણે પણ મહત્વનો છે.
લોકસભા ચૂંટણી 2014માં એમ તો અનેક પક્ષો અને અપક્ષો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે અને પાંચમા તથા છટ્ઠા તબક્કામાં જે રાજ્યો અને જે બેઠકો ઉપર મતદાન થવાનું છે, ત્યાં મોટાભાગે મુકાબલો આ બંને પક્ષો વચ્ચે જ છે. દેશમાં જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ પક્ષે લહેરની ચર્ચાઓ છે, તે જોતાં આ બંને તબક્કાઓ ભાજપ અને મોદી બંને માટે પણ ખૂબ જ પ્રતિષ્ઠાના પ્રશ્ન સમાન છે. આ બંને તબક્કાઓની ચૂંટણીઓ સાથે જ દેશની ભાવિ સરકારનું ચિત્ર લગભગ નક્કી થઈ જશે. પાંચમા અને છઠા તબક્કાના મતદાનના દિવસોની વધુ એક ખાસિયત એ છે કે 17મી અને 24મી એપ્રિલે ગુરુવાર છે. આ બંને દિવસોએ કુલ 239 બેઠકો માટે મતદાન થશે એટલે કે આ બે ગુરુવારો દેશના ભાવિ ગુરુ એટલે કે વડાપ્રધાન ઉપર મહોર મારનાર સાબિત ધશે.
ચાલો હવે તસવીરો સાથે જોઈ લઇએ કે કઈ રીતે આગામી બે ‘ગુરુવાર' નક્કી કરશે દેશનો ભાવિ ‘ગુરુ'?

આસામ
આસામમાં છઠ્ઠા તબક્કામાં એટલે કે 24મી એપ્રિલે 6 બેઠકો માટે મતદાન થવાનું છે. તમામ પોલમાં આસામમાં ભાજપને આગળ બતાવાઈ રહ્યો છે.

બિહાર
પાંચમા-છઠ્ઠા તબક્કામાં બિહારમાં 7-7 એટલે કે 14 બેઠકો માટે મતદાન થશે. ભાજપ માટે આ રાજ્ય મહત્વનું છે કે જ્યાં મોદીની લહેર નહીં, પણ સુનામી વરતાઈ રહી છે. આ બંને તબક્કા જેડીયૂ અને નિતિશ કુમાર માટે અગ્નિ પરીક્ષા સમાન હશે.

છત્તીસગઢ
છત્તીસગઢમાં પાંચમા તબક્કામાં 3 અને છઠ્ઠા તબક્કામાં 7 સહિત કુલ 10 બેઠકો માટે મતદાન થશે. છત્તીસગઢમાં ભાજપની સરકાર છે અને ત્યાંથી પણ ભાજપને સારી એવી બેઠકો મળવાની આશા છે. જોકે છત્તીસગઢમાં આ વખતે કોંગ્રેસ પણ થોડોક જોરમાં વરતાય છે અને એટલે જ કોંગ્રેસ માટે પણ છત્તીસગઢ મહત્વનું રાજ્ય ગણી શકાય.

ગોવા
ગોવાની બે બેઠકો માટે 17મી એપ્રિલે મતદાન થશે કે જ્યાં ભાજપની સરકાર છે અને મોદીની લહેર પણ. આમ ભાજપના મિશન 272 માટે ગોવા 2 બેઠકોનો સહયોગ આપી શકે છે.

જમ્મૂ-કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરની એક-એક બેઠક માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. અહીં કોંગ્રેસ માટે મહત્વના તબક્કાઓ કહી શકાય.

ઝારખંડ
પાંચમા અને છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ ક્રમશઃ 5 અને 4 સહિત કુલ 9 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડમાં જે રીતે ભાજપ અને મોદીની લહેર છે, તે જોતાં ઝારખંડની દૃષ્ટિએ ભાજપ-મોદી માટે આ બંને તબક્કાઓ મહત્વના છે.

કર્ણાટક
પાંચમા તબક્કાનું સૌથી મહત્વનું મતદાન કર્ણાટકનું ગણાશે. 17મી એપ્રિલના રોજ રાજ્યની 28 બેઠકો માટે મતદાન થવાનું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર કોંગ્રેસ સામે આ તબક્કો ગત પ્રદર્શન જાળવી રાખવા માટેનો પડકાર છે, તો ભાજપ સામે ગત લોકસભા ચૂંટણીનું પ્રદર્શન દોહરાવવાનો અને યેદિયુરપ્પાની વાપસીને યોગ્ય ઠેરવવાનો પડકાર છે.

મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં 17મીએ અને 24મીએ 10-10 બેઠકો માટે મતદાન થશે. આમ આ બંને તબક્કાઓ ભાજપ માટે મધ્ય પ્રદેશના દૃષ્ટિકોણે મહત્વનાં ગણાશે. મધ્ય પ્રદેશમાં તાજેતરમાં જ ભાજપે વિધાનસભા ચૂંટણીઓમાં જોરદાર વિજય મેળવ્યો છે. ત્યાં શિવરાજ સિંહની લોકપ્રિયતા છે, તો મોદીની લહેર પણ છે. મિશન 272 માટે મધ્ય પ્રદેશ ભાજપ માટે અત્યંત મહત્વનું રાજ્ય છે.

મહારાષ્ટ્ર
ભાજપના મિશન 272 માટે મહારાષ્ટ્ર પણ મહત્વનું રાજ્ય છે, તો કોંગ્રેસ માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો સવાલ છે. મહારાષ્ટ્રમાં 5મા અને 6ઠા તબક્કામાં 19-19 એટલે કે 38 બેઠકો માટે મતદાન થવાનું છે. અહીં મોદી લહેર સાથે ભાજપ અને શિવસેનાની યુતિ આગેકૂચ કરશે, તેમ સર્વે કહે છે. આમ મહારાષ્ટ્રના દૃષ્ટિકોણે પણ મોદી-ભાજપ માટે 5મો-6ઠો તબક્કો ખૂબ જ મહત્વનો બની જાય છે.

ઓડિશા
ઓડિશામાં નવીન પટનાયક અને બીજેડીના ગઢમાં સેંધ લગાવવા માટે કોંગ્રેસ અને ભાજપ બંને હવાતિયાં મારી રહ્યાં છે. અહીં 17મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન થશે.

રાજસ્થાન
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો. અહીં 17મી એપ્રિલે 20 અને 24મી એપ્રિલે 5 સહિત તમામ 25 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થવાનું છે. ભાજપના મિશન 272માં રાજસ્થાન તરફથી મહત્તમ ફાળો મળવાની શક્યતાઓ જણાઈ રહી છે, તો કોંગ્રેસ માટે અહીં કંઈ ખાસ નથી.

તામિળનાડુ
તામિળનાડુમાં તમામ 39 બેઠકો માટે 24મી એપ્રિલે મતદાન થવાનું છે. અહીં જયલલિતા અને એડીએમકેનું એકછત્ર રાજ છે. જોકે ભાજપ અહીં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી બે-ત્રણ બેઠકો મેળવવાના પ્રયત્નો કરશે, તો કોંગ્રેસ માટે અહીં પણ નિરાશાનો જ માહોલ છે.

ઉત્તર પ્રદેશ
દેશના સૌથી મહત્વના અને ભાજપ તથા મોદી મિશન 272માં જ્યાંથી સૌથી વધુ ફાળાની આશા કરી રહેલા છે, તેવા ઉત્તર પ્રદેશમાં 80માંથી 10 બેઠકો માટે મતદાન થઈ ચુક્યું છે, જ્યારે પાંચમા તબક્કામાં 17મી એપ્રિલે 11 અને છઠ્ઠા તબક્કામાં 24મી એપ્રિલે 12 બેઠકો માટે મતદાન થવાનું છે. આમ અહીં કુલ 23 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપ અહીં મોટાભાગની બેઠકો જીતવાનો પ્રયત્ન કરશે, તો જ તેનું મિશન 272 સફળ થઈ શકશે. બીજી બાજુ કોંગ્રેસની હાલત ખૂબ જ પાતળી છે.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મમતા બૅનર્જીનો જાદૂ જળવાઈ રહેલો છે અને અહીં 17 અને 24મી એપ્રિલે ક્રમશ 4 અને 6 સહિત 10 બેઠકો માટે મતદાન થશે. અહીં કોંગ્રેસ-ભાજપની દાળ ગળે, તેવું નથી લાગતું.

મણિપુર-પુડ્ડુચેરી
મણિપુરની એક બેઠક માટે 17મી અને પુડ્ડુચેરીની એક બેઠક માટે 24મી એપ્રિલે મતદાન થશે.

મિશન 272 માટે પડકાર
આમ પાંચમા અને છઠ્ઠા તબક્કાનું 239 બેઠકો માટેનું મતદાન કોંગ્રેસ માટે નહીં, પણ ભાજપ અને નરેન્દ્ર મોદીના મિશન 272 માટે એક મોટો પડકાર છે. આ બેઠકોમાંથી ભાજપ જો વધુમાં વધુ બેઠકો હાસલ કરે, તો જ તેની કેન્દ્રમાં સરકાર બનશે.












Click it and Unblock the Notifications
