અમદાવાદમાં મોદી હટાવો દેશ બચાવો પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટરને લઈને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ વચ્ચે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાઓએ મોદી હટાઓ-દેશ બચાવોના પોસ્ટર લાગ્યા હતા. આ મુદ્દે હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, અમદાવાદમાં પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ અન્યોની તપાસ ચલાવી રહી છે.
આ પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પીએમ મોદીને લઈને પોસ્ટર લગાવ્યા હતા. જે બાદ પંજાબ અને ગુજરાતમાં પણ આવા જ પોસ્ટર જોવા મળ્યા હતા. આ મામલો પીએમ મોદી સાથે સંબંધિત હોવાથી પોલીસે એફઆઈઆર નોંધી અને આરોપીને શોધવાનું શરૂ કર્યું હતું. હવે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં લાગેલા પોસ્ટરમાં પીએમના શિક્ષણને લઈને સવાલ કરાયો હતો. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત બીજા રાજ્યોમાં પીએમ મોદી વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. આ પહેલા કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજે હું દેશની સામે એક પ્રશ્ન રાખવા માંગુ છું. શું ઓછું ભણેલા PM 21મી સદીના ભારતનું નિર્માણ કરી શકશે? ભારતના વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ.
એક પછી એક વિવાદ ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ દેશબરમાં 11 ભાષાઓમાં મોદી હટાવો દેશ બચાવો પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર લગાવાયા છે.
બીજી તરફ બીજેપી પોસ્ટરનો જવાબ પોસ્ટરથી આપી રહી છે. બીજેપી નેતા મનજીન્દર સિંહ સિરસાએ દિલ્હીમાં ઘણી જગ્યાએ પોસ્ટર લગાવી લખ્યું કે બેઈમાન, લાંચ લેનારા અને તાનાશાહ અરવિંદ કેજરીવાલને હટાવો, દિલ્હીને બચાવો.












Click it and Unblock the Notifications
