ચંદીગઢ, 4 માર્ચઃ ઇન્ડિયન નેશનલ લોકદળના વરિષ્ઠ નેતા અભય સિંહ ચૌટાલાએ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડા પર એક પત્ની હોવા છતાં પણ બીજા લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. ચૌટાલાએ કહ્યું કે, હૂડાએ 1989માં કોંગ્રેસની એક યુવા સભ્ય સાથે દગો કરીને લગ્ન કર્યા હતા, આજે તેમનો સત્તર વર્ષનો એક પુત્ર પણ છે, તેને તેનો હક મળવો જોઇએ.
અભય ચૌટાલાએ દહેરાદૂનની પરિવાર અદાલતમાં ગયા વર્ષે દાખલ થયેલા મામલાનો હવાલો આપ્યો અને મીડિયાને જાણકારી આપી કે શશિ નામની મહિલા કોંગ્રેસની સભ્ય હતી, ભૂપેન્દ્ર સિંહ એ સમયે વિપક્ષી પાર્ટીના નેતા હતા. તેમણે તેને રાજકારણમાં આગળ વધવા માટે પ્રેરિત કરી અને દગો કરીને લગ્ન કર્યા, આજે તેમનો 17 વર્ષનો પુત્ર પણ છે. ચૌટાલા અનુસાર શશિ સંસ્કારી પરિવારની હતી, તેથી તેણે સામાજિક દબાણમાં આવીને પહેલા આ મામલાનો ખુલાસો કર્યો નહીં.
જ્યારે હૂડાના સમર્થકોનું કહેવુ છે કે આ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની છબીને ખરાબ કરવાનો પ્રયાસ છે અને આવું કંઇક હોત તો આ લોકોએ અત્યારસુધી અવાજ કેમ ઉઠાવ્યો નહીં? ભૂપેન્દ્ર સિંહ હૂડાને એક પત્ની અને બે બાળકો છે, આ ધ્યાન આપવા યોગ્ય છે કે, ગઇ કાલે જ એનડી તિવારીએ રોહિત શેખરને પોતાનો પુત્ર માન્યો અને આજે હૂડાનો કેસ સામે આવ્યો છે.