વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે

તેમની કેરળ મુલાકાતને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્વયં નરેન્દ્ર મોદીની સુરક્ષાની વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે સીપીએમના રાજ્ય સ્તરના સચિવ પિનારયી વિજયને આરોપ લગાવ્યા છે કે આ પગલું હંમેશા બિનસાંપ્રદાયિક રહેવા માટે જાણીતા શિવગિરિ મઠને ભગવા રંગે રંગવાનો પ્રયાસ છે. જો કે મઠના સત્તામંડળે આ આક્ષેપોને રદિયો આપી દીધો છે અને જણાવ્યું છે કે મઠના દરવાજા બધા જ માટે ખુલ્લા છે.
આ મુદ્દે શ્રી નારાયણ ધર્મ સંગમ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામી ઋતંભરાનંદે જણાવ્યું છે કે "શિવગિરિ મઠ કોઇ પ્રકારના રાજકારણમાં માનતું નથી અને સર્વને આવકારે છે. મઠે સોનિયા ગાંધી, રાહુલ ગાધી જેવા નેતાઓને પણ આમંત્રણ આપ્યા હતા પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી."
ટ્રસ્ટના મહાસચિવ વેલાપલ્લી નાતેસને નરેન્દ્ર મોદીને આવકારતા જણાવ્યું કે "કેરળમાં નરેન્દ્ર મોદીને અસ્પૃશ્ય રાખવાની કોઇ જરૂર નથી. તેમના કાર્યપદ્ધતિએ તેમને વિશેષ પ્રતિભા પ્રદાન કરી છે. આ કારણે તેમને શિવગિરિમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે." બીજી તરફ કેરળ ભાજપના પ્રદેશ પ્રમુખ વી મુરલીધરણે ડાબેરી નેતાઓની મોદી વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ટીકા કરી છે.












Click it and Unblock the Notifications
