
ચારા કૌભાંડ ઉજાગર કરનાર અમિત ખરેની પીએમ મોદીના સલાહકાર તરીકે નિમણૂક કરાઈ!
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : 1985 બેચના IAS અધિકારી અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરે કેન્દ્રીય સચિવના પદ પરથી નિવૃત્ત થયેલા અમિત ખરેને કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા પીએમ મોદીના સલાહકાર બનાવવામાં આવ્યા છે. સરકારના આદેશ અનુસાર અમિત ખરેને બે વર્ષના કરારના આધારે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમિત ખરે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. તે પહેલા તેઓ એચઆરડી મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં પણ હતા. પ્રધાનમંડળની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. અમિત ખરેની નવી નિમણૂક પર કેન્દ્ર સરકારના તમામ નિયમો તેમને લાગુ પડશે.
તમને જણાવી દઈએ કે અમિત ખરેને મોદી સરકારની ખૂબ નજીક માનવામાં આવે છે. તેમણે માત્ર કેન્દ્રીય મંત્રીમંડળ માટે જ કામ કર્યું નથી, પરંતુ તેમણે વડાપ્રધાન મોદીની સૂચનાઓ પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માટે મહત્વનું કામ પણ કર્યું છે. અમિત ખરેએ ડિસેમ્બર 2019 માં શિક્ષણ મંત્રાલય (ઉચ્ચ શિક્ષણ વિભાગ) ના સચિવનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની નિમણૂકના ટૂંકા ગાળામાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટે 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપી હતી.
આ સિવાય અમિત ખરે સૌથી વધુ ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કર્યો. અમિત ખરે ચાયબાસાના ડેપ્યુટી કમિશનર હતા ત્યારે ઘાસચારા કૌભાંડમાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ આ મામલો ચર્ચાએ ચડ્ય હતો. બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ આ કૌભાંડના મુખ્ય આરોપી હતા, જેમને બાદમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવતા સજા કરાઈ હતી.