Bengaluru Opposition Meeting : જાણો પક્ષ-વિપક્ષની બેઠકના મહત્વના મુદ્દા
Bengaluru Opposition Meeting : વિપક્ષી પાર્ટીઓની બેંગ્લોરમાં બે દિવસીય મીટિંગ યોજાઇ રહી છે. આ બે દિવસ દરમિયાન વિપક્ષ 2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે સાથે આવવાની ચર્ચા કરી શકે છે.
કર્ણાટકના પાટનગરમાં યોજાનારી આ બેઠકમાં ભાજપ વિરોધી જૂથો લોકસભા 2024ની રણનીતિ નક્કી કરવામાં આવશે. બીજી તરફ આવતીકાલે ભાજપના નેતૃત્વમાં એનડીએના તમામ પક્ષો દિલ્હીમાં રેલી કરવા જઈ રહ્યા છે. આ બેઠકમાં 30 પાર્ટીઓ ફરી એકવાર એનડીએને સમર્થન આપે તેવી શક્યાતા છે.

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વટહુકમ સામે વિરોધ જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટી પણ વિપક્ષની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતાઓ વધી ગઈ છે. આવા સમયે મમતા પહેલેથી જ જોડાવાની જાહેરાત કરી ચૂકી છે.
આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને NDA વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. વિપક્ષ અને એનડીએમાં કોના પર કોણ ભારે છે, બંને જૂથો આ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઓછામાં ઓછા 24 વિપક્ષી પક્ષોના નેતાઓ 17-18 જુલાઈના રોજ બેંગ્લોરમાં એકઠા થશે.
વિપક્ષની આ બેઠકમાં તમામ પક્ષો તેમના મતભેદોને ઉકેલી શકે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની વ્યૂહરચના તૈયાર કરી શકે છે.
વિપક્ષના તમામ નેતાઓ બેઠક માટે પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી મહાસચિવ જયરામ રમેશ અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારી બેઠકથી બીજેપી ડરવા લાગી છે અને તેના કારણે તેણે એનડીએની બેઠક બોલાવવી પડી હતી.
તમામ પક્ષકારો સાંજે 6 કલાકેની આસપાસ મળશે અને તે પછી રાત્રે 8 કલાકે ડિનર થશે. 18 જુલાઇના રોજ સવારે 11 કલાકે બેઠક શરૂ થશે અને સાંજે 4 કલાકે સુધી ચાલશે. જે બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ જાહેર કરવામાં આવી શકે છે.
20મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં વિરોધ પક્ષોનો એજન્ડા પણ ભાજપને ઘેરવાનો હશે. બેઠકમાં વિપક્ષી ગઠબંધનનું નામ નક્કી કરવામાં આવશે અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર પણ ચર્ચા કરવામાં આવશે.
વિરોધ પક્ષો વચ્ચે સંભવિત બેઠકોની વહેંચણી અંગેનો અંતિમ નિર્ણય સંબંધિત રાજ્ય એકમો પર છોડવામાં આવશે.
બીજી તરફ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ગઠબંધનમાં જોડાયેલા પક્ષ સિવાય, ભાજપે ઘણા નવા સહયોગી અને કેટલાક ભૂતપૂર્વ સહયોગીઓને આમંત્રણ આપ્યું છે.
જે નવા સભ્યો ભાગ લે તેવી અપેક્ષા છે, તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથ, શિવસેના, ચિરાગ પાસવાનની લોક જન શક્તિ પાર્ટી (RV) અને જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)નો સમાવેશ થાય છે.
બિહારના ચાર નેતાઓ - લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના ચિરાગ પાસવાન, હિન્દુસ્તાની અવમ મોરચાના જીતન રામ માંઝી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર સિંહ કુશવાહ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સાહની બેઠકમાં ભાગ લઈ શકે છે.
ઘણી અટકળો બાદ પણ એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી અને બાદલ પરિવારના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળ એનડીએનો ભાગ નહીં બને.
મળતી માહિતી મુજબ ભાજપ આ પક્ષો સાથે ગઠબંધન કરશે નહીં અને પંજાબમાં અને આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે એકલા ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં NDAમાં 25 પક્ષો છે
જેમાં BJP, AIADMK, શિવસેના (એકનાથ શિંદે જૂથ), NPP (નેશનલ પીપલ્સ પાર્ટી), NDPP (રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી), SKM (સિક્કિમ ક્રાંતિકારી મોરચા), JJP (જનનાયક જનતા પાર્ટી), IMKMK, AJSU, RPI (રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા), MNF (મિઝો નેશનલ ફ્રન્ટ), TMC (તમિલ મનીલા કોંગ્રેસ), IPFT (ત્રિપુરા), BPP (બોડો પીપલ્સ પાર્ટી), PMK (પાટલી મક્કલ કાચી), MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી), અપના દળ , AGP (આસામ ગણ પરિષદ), રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, નિષાદ પાર્ટી, UPPL, AIRNC (ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી), શિરોમણી અકાલી દળ સંયુક્ત (ઢીંડસા), SBSP (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી) અને જનસેના (પવન કલ્યાણ) નો સમાવેશ થયો છે.
જ્યારે, NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ), લોક જન શક્તિ પાર્ટી (રામ વિલાસ), HAM (હિન્દુસ્તાની અવમ મોરચા), RLSP (રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી) અને VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) ગઠબંધનમાં નવા સભ્યો હશે.
વિરોધી જૂથમાં કોંગ્રેસ, AAP, CPM, SP, NCP (શરદ પવાર), TMC, RJD, શિવસેના (UBT), RLD, JMM, નેશનલ કોન્ફરન્સ, CPI, જેવા ત્રણ રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત. DMK, મુસ્લિમ લીગ અને MDMK જેવા પક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે 9 નવી પાર્ટીઓ પણ તેનો ભાગ બનવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
