Bihar Election 2025 : બિહારમાં નીતિશ કુમાર બીજેપી માટે મજબુરી? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
Bihar Election 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને હવે બહુ ઓછો સમય બાકી છે અને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો મુખ્યમંત્રી ચહેરો છે.
શું ભાજપ ફરી એકવાર નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે કે પછી કોઈ નવા ચહેરા પર દાવ લગાવશે? આ સવાલ એક તાજા સર્વેના પરિણામો પછી વધુ ઉગ્ર બન્યો છે.

સ્ટેટ વાઈબ સર્વે ઓફ બિહાર ઈલેક્શન ૨૦૨૫ (જાતિ-આધારિત મતદાન) મુજબ, 33.7% લોકોનું માનવું છે કે ભાજપે નીતિશ કુમારના બદલે પોતાનો મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવો જોઈએ.
આશ્ચર્યની વાત એ છે કે માત્ર 24.2% લોકોને જ લાગે છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ચૂંટણી લડવી જોઈએ.
સર્વેના પરિણામો દર્શાવે છે કે 23.1% લોકો તો એવું પણ માને છે કે ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એટલે જ તે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહી છે. આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમારની રાજકીય છબી હવે એક મજબૂરી બની રહી છે.
જ્ઞાતિ આધારિત વોટિંગના આંકડા પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે. અન્ય પછાત વર્ગ (OBC) ના 38% લોકો ભાજપ પાસેથી નવો ચહેરો ઈચ્છે છે. આ ઉપરાંત ઉચ્ચ જાતિના 36%, દલિતોના 30%, આદિવાસીઓના 29%, અને મુસ્લિમોના 26% લોકો પણ ભાજપને નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવા માટે કહી રહ્યા છે.
આ આંકડાઓ એટલા માટે મહત્ત્વના છે કારણ કે બિહારની 13.07 કરોડની વસ્તીમાં સૌથી મોટો હિસ્સો અતિ પછાત વર્ગ (EBC)નો છે, જે 36.01% છે. આ પછી OBCનો 27.12%, દલિત (SC)નો 19.65%, સામાન્ય વર્ગનો 15.52% અને આદિવાસી (ST)નો 1.68% હિસ્સો છે. આ જ્ઞાતિઓની નારાજગી ભાજપ માટે એક મોટો પડકાર ઊભો કરી શકે છે.
આ સર્વેનો સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે 48.5% લોકોને લાગે છે કે રાજ્યમાં નીતિશ કુમારની આગેવાનીવાળી NDA સરકાર વિરુદ્ધ ભારે નારાજગી છે. જ્યારે માત્ર 18.3% લોકો જ હાલની સરકારથી સંતુષ્ટ છે. 22.5% લોકોએ તટસ્થ વલણ અપનાવ્યું છે અને 10.7% લોકો હજુ પણ મૂંઝવણમાં છે. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે.
સર્વેના પરિણામો દર્શાવે છે કે નીતિશ કુમારનો રાજકીય પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. લોકો હવે તેમનામાં પહેલા જેવો પ્રભાવ જોઈ રહ્યા નથી. જો કે, ભાજપના દિગ્ગજ નેતાઓ જાહેરમાં નીતિશ કુમારના નેતૃત્વને સમર્થન આપી રહ્યા છે.
જુલાઈ 2025માં સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે જાહેરમાં કહ્યું હતું કે નીતિશ કુમાર જ NDAના મુખ્યમંત્રી પદના ચહેરા હશે. તેમણે પટનામાં યોજાયેલી ભાજપની રાજ્ય કારોબારી બેઠકમાં જણાવ્યું કે, બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના સંયુક્ત નેતૃત્વમાં રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે અને બિહાર નીતિશ કુમારના નેતૃત્વમાં સુરક્ષિત છે.
જૂન 2025માં બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે પણ સ્પષ્ટતા કરી હતી કે નીતિશ કુમાર જ 2025માં NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.
જાહેરમાં ભાજપ ભલે નીતિશ કુમારની સાથે ઊભી હોય પરંતુ આ સર્વે પરિણામો ઘણા સવાલો ઊભા કરે છે. હવે ભાજપને એક મહત્ત્વનો નિર્ણય લેવો પડશે. શું તે નીતિશ કુમારને આગળ કરીને સ્થિરતાનો સંદેશ આપશે કે પછી કોઈ નવો ચહેરો લાવીને પરિવર્તનની લહેર ચલાવશે? હાલ જનતાનો મૂડ બદલાવનો સંકેત આપી રહ્યો છે, પરંતુ ભાજપ જોખમ લેશે કે પછી સેફ કાર્ડ રમશે, તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
