Bihar Election 2025 : સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનને તતડાવ્યુ, હટાવાયેલા મતદારોના નામ રજુ કરવા આદેશ
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત વચ્ચે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચૂંટણી પંચને ફરી એક વખત તતડાવ્યુ છે.
કોર્ટે બિહારમાં હાલમાં જ હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા તમામ મતદારોની સંપૂર્ણ વિગતો ૯ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં રજૂ કરવા જણાવ્યું છે.

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમલ્યા બાગચીની ખંડપીઠ બિહારની મતદાર યાદીના SIR ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે આ મામલે સુનાવણી ૯ ઓક્ટોબર સુધી મોકૂફ રાખી છે.
સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે કોર્ટને જાણ કરી કે અત્યાર સુધી એક પણ હટાવાયેલા મતદારે કોઈ ફરિયાદ કે અપીલ દાખલ કરી નથી. જો કે, સુપ્રીમ કોર્ટે પારદર્શિતા અને ન્યાયિક દેખરેખ માટે આગ્રહ રાખ્યો. કોર્ટે SIR પ્રક્રિયા હેઠળ તૈયાર કરાયેલી અંતિમ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા ૩.૬૬ લાખ મતદારોની વિગતો પંચ પાસેથી માંગી છે.
ચૂંટણી પંચે ૩૦ સપ્ટેમ્બરે બિહારની અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. SIR પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાની યાદીમાંથી કુલ ૪૭ લાખ નામો હટાવવામાં આવ્યા હતા, જેમાંથી અંતિમ ચકાસણીમાં ૩.૬૬ લાખ નામો અયોગ્ય જણાતા તેમને દૂર કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે મતદાર યાદીમાં માત્ર પાત્ર મતદારો જ હોય અને કોઈ પણ ફર્જી કે ગેરકાયદેસર નામ તેમાં ન રહે.
ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ ન મળ્યાનું સ્પષ્ટીકરણ છતાં સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ પાત્ર મતદાર ભૂલથી બહાર ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ વિગતો આવશ્યક છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ન્યાયિક દેખરેખ જાળવવા માટે પંચે દૂર કરાયેલા તમામ નામોની વિગતો રજૂ કરવી પડશે.
બિહાર વિધાનસભા ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બરે બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે ૯ ઓક્ટોબર સુધીમાં આ તમામ માહિતી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે, જ્યારે આ કેસની આગામી સુનાવણી થશે.
બિહારમાં SIR પ્રક્રિયા અને હટાવાયેલા મતદારોની સંખ્યા અંગે સુપ્રીમ કોર્ટની આ કડકાઈ દર્શાવે છે કે ચૂંટણીમાં પારદર્શિતા અને મતદાર અધિકારોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે.












Click it and Unblock the Notifications
