BPSC Protest : BPSC પરિક્ષાને લઈને પટનામાં ભારેલો અગ્નિ, ઉમેદવારો પર લાઠીચાર્જ કરાયો
BPSC Protest : બિહાર સરકારની નબળી નીતિઓ સામે BPSC ઉમેદવારો મેદાને પડ્યા છે. હવે પટનામાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો હોવાના અહેવાલ છે.
બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 70મી સંયુક્ત સ્પર્ધાત્મક પ્રારંભિક પરીક્ષામાં ગેરરીતિ સામે પટનાના ગાંધી મેદાનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા.

આ પ્રદર્શનમાં જન સ્વરાજ પાર્ટી બનાવીને રાજનીતિમાં ઉતરેલા પ્રશાંત કિશોર પણ પહોંચ્યા હતા. ઉમેદવારોએ સીએમ આવાસ તરફ કુચ કરતા પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના સમાચાર છે.
પટનાના ગાંધી મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા BPSC ઉમેદવારોને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સવારથી જ સમગ્ર ગાંધી મેદાન પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ.
પોલીસે સ્થિતિ વણસી જતાં બેરીકેટ્સ દ્વારા માર્ચને અધવચ્ચે જ અટકાવી દીધી હતી, જેના કારણે ભાગ લેનારા સીએમ આવાસ પહોંચી શક્યા નહોતા. વિરોધીઓ માત્ર જેપી ગોલામ્બર સુધી જ આગળ વધી શક્યા.
વિરોધ પ્રદર્શન કરનારા ઉમેદવારોને સંબોધતા પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું કે નોકરીની ભરતીમાં ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે એક દિવસના નારા પૂરતા નથી.
પ્રશાંત કિશોરે વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધની હાકલ કરી. તેમના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ સીએમ આવાસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા અને અથડામણ થઈ. ઉમેદવારોએ બેરીકેટ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા જાહેર વાહનોને રોકવાનું શરૂ કરતાં રસ્તા પર જામ સર્જાયો હતો.
પટના જિલ્લા પ્રશાસને શનિવારે પત્ર જારી કર્યો હતો. જેમાં વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આમ છતાં પ્રશાંત કિશોરના નેતૃત્વમાં હજારો ઉમેદવારો ગાંધી પ્રતિમા પાસે પહોંચ્યા.
સાંજે 5 વાગ્યા આસપાસ પ્રશાંત કિશોર તે ઉમેદવારો સાથે ગાંધી મેદાનમાંથી બહાર આવ્યા અને મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી હતી. વિરોધીઓના ટોળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવાનો આગ્રહ રાખતા સ્થિતી વણસી હતી અને પોલીસે લાઠીચાર્જ કર્યો.
જણાવી દઈએ કે, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) એ BPSCની ફરીથી પરીક્ષા લેવાની માંગના સમર્થનમાં 30 ડિસેમ્બરે બિહાર બંધ અને ચક્કા જામની જાહેરાત કરી છે.
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ પણ પહેલને સમર્થન આપવાનું વચન આપ્યું છે. પ્રશાંત કિશોરે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
