Manipur violence : મણિપુર હિંસા કેસમાં CBIએ નોંધી 6 FIR નોંધી, 10ની ધરપકડ
Manipur violence : છેલ્લા ઘણા સમયથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ વચ્ચે CBI દ્વારા મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં અત્યાર સુધી કુલ છ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેના આધારે 10 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, CBIના અધિકારીઓ 4 મેના રોજ મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસની પણ તપાસ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુઓ મોટો દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ અંગે કડક પગલાં લેવા જોઈએ, તમારી કાર્યવાહીની અસર જમીન પર દેખાતી નથી, જો તમે પગલા નહીં લો, તો અમે પગલાં લઈશું. આ મામલે 28 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
આ અગાઉ ગૃહ મંત્રાલય (MHA) એ ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, CBI મણિપુરમાં ટોળા દ્વારા નિર્વસ્ત્ર પરેડ કરવામાં આવતી બે મહિલાઓના વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવશે. મણિપુર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. મણિપુર પોલીસ દ્વારા મહિલાઓની પરેડને નિર્વસ્ત્ર કરવાના કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એફિડેવિટમાં કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખાસ કરીને મણિપુર કેસ જેવા જઘન્ય કેસોમાં તે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. મણિપુર સરકાર દ્વારા 26 મેના રોજ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. તેને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
ગૃહ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટને આ કેસની સુનાવણી મણિપુરની બહાર ચલાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરી છે. મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટને સીબીઆઈને ચાર્જશીટ દાખલ કર્યાની તારીખથી છ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવા નિર્દેશ આપવા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મણિપુર 3 મેથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. અનામત અંગે હાઈકોર્ટના આદેશ બાદ 3 મેના રોજ આદિવાસી એકતા રેલી કાઢવામાં આવી હતી. જે બાદથી રાજ્યમાં સતત હિંસા થઈ રહી છે. મેતી અને કુકી સમુદાયના લોકો સામસામે છે. મણિપુર હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.












Click it and Unblock the Notifications
