Char Dham Yatra: ચાર ધામ યાત્રા પહેલા ઉત્તરાખંડમાં તારાજી, જાણો અપડેટ
Char Dham Yatra: ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ધામની યાત્રા 10 મેથી શરૂ થઇ જશે. જે માટે લાખો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે શ્રદ્ધાંળુ ધીરે ધીરે પહોંચવા લાગે છે. આ વચ્ચે ઉત્તરાખંડના અલગ અલગ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે.
ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાના અહેવાલ છે. અલ્મોડા-સોમેશ્વર વિસ્તારમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. અલ્મોડા-કૌસાની હાઈવે પર કાટમાળ આવી ગયો છે, જેના કારણે છેલ્લા 12 કલાકથી હાઈવે બંધ છે. જોકે, વરસાદના કારણે જંગલમાં લાગેલી આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ બદલાતા હવામાનને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઉત્તરાખંડના અલમોડા ઉપરાંત બાગેશ્વરમાં વાદળ ફાટ્યું છે અને ઉત્તરકાશીના પુરોલામાં ભારે કરા પડ્યા છે. વાદળ ફાટવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે, IMD એ 13 મે સુધી ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.
IMDએ પ્રવાસીઓને વરસાદ દરમિયાન પર્વતીય યાત્રાઓ પર જવાનું ટાળવાની અપીલ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચોમાસાની આપત્તિ શમન અને ચારધામ વ્યવસ્થાપન અંગે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
રુદ્રપ્રયાગમાં ગયા બુધવારના રોજ વરસાદને કારણે જંગલમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. વરસાદના કારણે ગંગોત્રી હાઈવે પર ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. બાગેશ્વર અને ટિહરી જિલ્લામાં પણ વરસાદની અસર જોવા મળી છે, જેના કારણે જંગલમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળ છવાયેલા રહેવાની શક્યતા છે. હળવા વરસાદની સાથે દેહરદૂન અને આસપાસના વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ વીજળી પડવાને લઈને ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
