
જમીન ખરીદી મામલે રોબર્ટ વાઢેરાને ક્લીન ચીટ
આ રિપોર્ટમાં કહેવાયું છે કે રોબર્ટ વાઢેરાની એનસીઆર વિસ્તાર સાથે જોડાયેલી જમીન ડીલમાં કોઇપણ પ્રકારની અનિયમિતતા નથી થઇ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જિલ્લાઓમાં વાઢેરા દ્વારા ખરીદવામાં આવેલી તમામ જમીનની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે. ચારેય જિલ્લાઓના ડીસીના રિપોર્ટમાં વાઢેરાને ક્લીન ચીટ મળી રહી છે.
જોકે આઇએએસ ઓફિસર અશોક ખેમકાએ માનેસર નજીક શિકોહપુરમાં વાઢેરા-ડીએલએફની વચ્ચે થયેલા સાડા ત્રણ એકર જમીનના સોદાની રજીસ્ટ્રી રદ કરી દીધી હતી. એટલું જ નહીં તેમણે પલવલ, ફરિદાબાદ, ગુડગાંવ અને મેવાતના જિલ્લા ડેપ્યુટી કમિશનરોને વાઢેરાની કંપની દ્વારા 2005થી ખરીદવામાં આવેલી જમીનના રેકોર્ડ તપાસી તેનો રિપોર્ટ 25 ઓક્ટોબર સુધી આપવાનો આદેશ આપ્યા હતા. ખેમકાના આદેશ પ્રમાણે જ આ અહેવાલ સુપરત કરવમાં આવ્યો છે. ખેમકાએ આ આદેશ તેમની બદલીના આગલા દિવસે 12 ઓક્ટોબરે આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ ખેમકાના આરોપો અને દાવાઓની તપાસ માટે ત્રણ સભ્યોની કમેટી બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સમિતિ એક મહિનામાં સરકારને તમામ તપાસ કરી તેના રિપોર્ટ મોકલવાના રહેશે.
વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ આ અંગે કોંગ્રેસ પર વાઢેરાને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વાઢેરાની કંપનીયો પહેલા ખેડૂતો પાસેથી કંપનીયો ખરીદી લેતી હતી અને બાદમાં પ્રદેશ સરકાર પાસે જમીન માલિક બદલાવીને તેના ભાવ વધારી દેવામાં આવતા હતા.