
2-18 વર્ષના બાળકોને પણ લાગશે કોરોના રસી, કોવેક્સીનને સરકારે આપી મંજૂરી
નવી દિલ્લીઃ બેથી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સીન આપવાની મંજૂરી મળી ગઈ છે. કોવિડ-19 પર બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની કોવેક્સીનને 2-18 વર્ષની વયજૂથના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. સરકાર તરફથી આ વેક્સીનને લઈને જલ્દી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
ગયા સપ્તાહે ભારત બાયોટેકે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ઉપયોગ માટે કોવિડ-19 રસી કોવેક્સીનના બીજા તબક્કાનુ પરીક્ષણ પૂરુ કર્યુ હતુ. ત્યારબાદ તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે આંકડા સીડીએસસીઓને સોંપી દીધા હતા. ત્યારબાદ ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ દેશમાં 2થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનની કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. બાળકોને આના બે ડોઝ આપવામાં આવશે.
ભારત બાયોટેક ભારતની અત્યાર સુધીની એકલી કંપની છે જેણે બાળકો માટે વેક્સીન પર ટ્રાયલ કરી છે. દિલ્લી એઈમ્સમાં તેની ટ્રાયલ થઈ હતી. આ પહેલા ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીન ZyCoV-Dને ઈમરજન્સી યુઝ માટે દવા નિયામક ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળી ચૂકી છે. તે 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવવામાં આવશે. આ દુનિયાની પહેલી ડીએનએ બેઝ્ડ વેક્સીન છે.
અત્યાર સુધી 18 વર્ષથી ઉપરના લોકોને લાગી રહી છે કોરોના વેક્સીન
દેશમાં અત્યાર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ ઑક્સફૉર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના રસીકરણ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયુ હતુ. શરૂઆતમાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કરોને વેક્સીન આપવામાં આવી. ત્યારબાદ બિમાર અને વૃદ્ધોને રસી મૂકવામાં આવી. હવે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોનાની રસી લાગી રહી છે. આને લઈને સતત અભિયાન ચાલી રહ્યુ છે.