Coronavirus: દેશના આ રાજ્યોમાં કોરોના મહામારીને લઈને લાગુ થયા નવા નિયમ, અહીં જાણો વિગત
ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોના કારણે ભારતમાં પણ સાવચેતીના પગલાં રુપે અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અહીં જાણો વિગત.
Coronavirus: ચીન સહિત દુનિયાના પાંચ દેશોમાં કોરોના વાયરસના કેસો વધતા સમગ્ર દુનિયામાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ભારતમાં પણ પરિસ્થિતિને જોતા સાવચેતી રુપે પગલાં લેવામાં આવ્યા છે. સાર્વજનિક સ્થળોએ કોરોનાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અમુક રાજ્યોમાં પર્યટન સ્થળો, હૉસ્પિટલો અને સાર્વજનિક સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણ પર પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્યોમાં મેડિકલ વિભાગની મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. જેમાં કોરોના અને અન્ય આરોગ્ય સેવાઓનો સામનો કરવા માટેની સજ્જતાનુ ભૌતિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે IMA દ્વારા કેન્દ્ર સરકારને લખવામાં આવેલા પત્રની નોંધ લેતા પીએમ મોદીએ રાજ્યોને કોરોના સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરવા જણાવ્યુ છે. તેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવા માટે નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ સ્થળોએ કોરોના માટે લાગુ થયા નિયમ
- ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે હવે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
- લખનઉના KGMUમાં વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અધિકારીઓએ ફેસ માસ્ક પહેરવુ જરૂરી છે.
- નાગપુરમાં સરકારી અને ખાનગી ઑફિસોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. અહીં કલેકટરે આના માટે આદેશો જાહેર કર્યા છે.
- કર્ણાટક સરકાર કોવિડ માર્ગદર્શિકા લાગુ કરવા અંગે સોમવારે નિર્ણય લઈ શકે છે.
- બિહાર સરકારે કોરોનાને લઈને નવી એડવાઈઝરી જાહેર કરી છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોરોનાના કેસ વધશે તો ડૉકટરો અને સ્ટાફની રજાઓ રદ કરવામાં આવશે. રજા પર રહેલા સ્ટાફે 48 કલાકની અંદર હૉસ્પિટલમાં કામ પર પાછા ફરવુ પડશે. હૉસ્પિટલમાં તૈનાત તમામ કર્મચારીઓને પ્રિકૉશન ડોઝ લગાવવામાં આવશે.
- મહારાષ્ટ્રમાં કોરોના દર્દીની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. BMCએ એરપોર્ટ, રેલવે સ્ટેશનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાની વાત કરી છે.
- તમામ એરપોર્ટ પર કોરોના નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ ટેસ્ટ થશે. રેપિડ રિસ્પોન્સ ટીમને સક્રિય કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. જે યુવકમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે તે બે દિવસ પહેલા ચીનથી આગ્રા પરત ફર્યો હતો. ચીનથી પરત આવ્યા બાદ યુવકે ખાનગી લેબમાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે અત્યાર સુધી યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
