
દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો, ઓડિશાના 7 જીલ્લાઓમાં એલર્ટ જારી
દેશમાં ફરી ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતનું દબાણ સર્જાઈ રહ્યું છે જે શક્તિશાળી તોફાનમાં ફેરવાઈ શકે છે, પરંતુ આ વાવાઝોડાની અત્યાર સુધીની તીવ્રતા કેટલી હશે? આ અંગે કોઈ ચોક્કસ અંદાજ આવી શક્યો નથી. જો કે હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનુ કહેવુ છેકે ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા હાલમાં પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જે 23 ઓક્ટોબરે દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે, જો આમ થશે તો આ વાવાઝોડું દિવાળી બગાડશે.
આ લો પ્રેશર એરિયા સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી સુધી ફેલાયેલું છે. IMD ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરે દરિયાકાંઠે અથડાયા પછી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને 25 ઓક્ટોબરે ઓડિશાને પાર કરશે. જે બાદ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે.
હાલમાં IMDની આ ચેતવણી બાદ ઓડિશાના સાત જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. આ સાત જિલ્લામાં છે ગંજમ, પુરી, ખુર્દા, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર રજાઓ કેન્સલ કરવામાં આવી છે. કેન્દ્રપારા અને જગતસિંહ જિલ્લામાં 23 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે.
ઓડિશામાં આજે હવામાન સ્વચ્છ છે, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, પરંતુ આવતીકાલથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ચક્રવાતને જોતા, દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે માછીમારોને 22 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી દરિયામાં જતા અટકાવવામાં આવ્યા છે અને તમામ સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ દબાણ વાવાઝોડામાં ફેરવાશે તો 49 કિમીની ઝડપે પવન ફૂંકાશે.