સિખો પર ટિપ્પણી મામલે કંગનાની મુશ્કેલીઓ વધી, દિલ્લી અસેંબલી પેનલે પાઠવ્યા સમન
નવી દિલ્લીઃ પોતાના વિવાદિત નિવેદનો માટે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત મીડિયામાં છવાયેલી રહે છે. વળી, સિખ સમાજ પર આપેલા પોતાના એક નિવેદન બાદ કંગના રનોતની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમાં, કંગનાને દિલ્લી અસેમ્બલી પેનલે સમન મોકલ્યા છે. દિલ્લી અસેમ્બલી પેનલે કંગનાને હાજર થવા માટે સમન પાઠવ્યા છે. દિલ્લી અસેમ્બલી પેનલ સામે કંગના રનોતને 6 ડિસેમ્બરની બપોરે 12.00 વાગે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે દિલ્લી વિધાનસભા શાંતિ અને સદભાવ સમિતિના અધ્યક્ષ આપ નેતા રાઘવ ચડ્ડા છે. રાઘવ ચઢ્ઢા તરફથી કંગના રનોતને આ સમન જાહેર કરવામાં આવ્યા છે. આ સમન સિખ સમાડ પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને જાહેર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, દિલ્લી સિખ ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિએ ઈન્સ્ટાગ્રામ પર સિખ સમાજ સામે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા મુદ્દે કંગના સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.
કંગના રનોત સામે ફરિયાદ નોંધાવ્યા બાદ સમિતિએ એક નિવેદન જાહેર કર્યુ. જેમાં તેમણે જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર હાલમાં કરવામાં આવેલ પોતાની પોસ્ટમાં કંગના રનોતે 'જાણીજોઈને' ખેડૂતોના પ્રદર્શનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અભિનેત્રીએ સિખ સમાજ સામે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. દિલ્લી સિખ સમાજ વ્યવસ્થાપન સમિતિના નિવેદન અનુસાર - 'સિખ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને એ પોસ્ટ તૈયાર કરવામાં આવી અને ગુનાહિત મનસાથી તેને શેર કરવામાં આવી.'
તમને જણાવી દઈએ કે ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ કંગના ઈન્સ્ટાગ્રામ પર સક્રિય છે અને તે પોતાના દરેક વિચાર શેર કરતી રહે છે. ત્રણે કૃષિ કાયદા પાછા લેવાના સરકારના નિર્ણયથી કંગના નિરાશ છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યુ હતુ, 'દુઃખદ, શરમજનક, એકદમ અયોગ્ય. જો સંસદમાં ચૂંટેલી સરકારના બદલે રસ્તા પર લોકોએ કાયદો બનાવવાનુ શરૂ કરી દીધુ તો આ એક જેહાદી રાષ્ટ્ર છે. એ સહુને અભિનંદન જે આવુ ઈચ્છતા હતા.'