દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8 લોકોના મોતના અહેવાલ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા એક ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1ના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી એક કારમાં અચાનક ધમાકો થયો, જેની તીવ્રતા એટલી હતી કે આસપાસની અન્ય ત્રણ કાર પણ આગની લપેટમાં આવી ગઈ.
આ ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 2-3 અન્ય ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાયું છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. ધમાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે નજીકની દુકાનોના કાચ, દરવાજા અને બારીઓ તૂટી ગયા અને ચાંદની ચોક જેવા વ્યસ્ત બજારમાં અફરાતફરી મચી ગઈ.

દિલ્હી પોલીસે તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને ફોરેન્સિક ટીમ અને NDRFના યુનિટ્સ ઘટનાસ્થળે પહોંચી છે. પ્રારંભિક તપાસમાં વિસ્ફોટ IED કે ગેસ સિલિન્ડરને કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ ઘટનાનો સંબંધ ફરીદાબાદથી તાજેતરમાં પકડાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH)ના વ્હાઈટ કોલર આતંકી મોડ્યુલ સાથે છે?
આ ઘટના સોમવારે સાંજે 6:56 વાગ્યે (ભારતીય સમય) બની હતી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ-1ના પાર્કિંગ ઝોનમાં એક સફેદ રંગની ઇન્ડિકા કાર પાર્ક કરેલી હતી, જેમાં અચાનક જોરદાર ધમાકો થયો.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા અને આગની જ્વાળાઓ 20 ફૂટ ઊંચી ઉઠી. આ આગની લપેટોએ તરત જ નજીકની અન્ય ત્રણ કાર (એક મારુતિ સ્વિફ્ટ, એક હ્યુન્ડાઈ i10 અને એક અજાણ્યા મોડલની)ને પોતાની ચપેટમાં લઈ લીધી, જે થોડી જ મિનિટોમાં બળીને ખાખ થઈ ગઈ.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ધમાકાથી 50 મીટર દૂર ચાંદની ચોકની દુકાનોના શટર ધ્રુજી ઉઠ્યા અને કેટલીક જગ્યાએ લાઈટો ફ્યુઝ થઈ ગઈ. મેટ્રો સ્ટેશન પર પણ ભયનો માહોલ સર્જાયો અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકની ઓળખ હજુ સ્પષ્ટ નથી, પરંતુ સૂત્રો અનુસાર, આ કારની અંદર હાજર વ્યક્તિ હતો, જે સંભવતઃ ડ્રાઈવર હતો. 2-3 ઘાયલોને નજીકની LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.
આ બ્લાસ્ટ માત્ર એક સંયોગ નથી લાગી રહ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી બ્લાસ્ટના બરાબર પહેલા ફરીદાબાદથી પકડાયેલા JeM-AGuH આતંકી મોડ્યુલ સાથે કનેક્શન શંકાસ્પદ છે.
19 ઓક્ટોબરે શ્રીનગરના નૌગામમાં JeM ના પોસ્ટર મળવાથી શરૂ થયેલી તપાસમાં J&K પોલીસે 15 દિવસના મલ્ટી-સ્ટેટ ઓપરેશન દ્વારા આ મોડ્યુલનો ભાંડાફોડ ફોડ કર્યો હતો. પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સંકળાયેલું આ વ્હાઈટ કોલર નેટવર્ક (ડોકટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ) રેડિકલાઇઝેશન, ફંડિંગ અને IED સપ્લાય કરતું હતું.
કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 3 ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ફરીદાબાદથી ડો. મુઝમ્મિલ શકીલ (અલ-ફલાહ યુનિવર્સિટી) ને 31 ઓક્ટોબરે પકડવામાં આવ્યા - તેમના ફ્લેટમાંથી 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યું. સહારનપુરથી ડો. અદીલ અહેમદ (7 નવેમ્બર) અને લખનઉના ડો. શાહીન શાહિદ (10 નવેમ્બર) - જેમની કારમાંથી AK-47 મળી આવી હતી.












Click it and Unblock the Notifications
