Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ અને સિસોદિયા આરોપોમાંથી મુક્ત, હાઈકોર્ટ જઈ શકે છે CBI
Delhi Liquor Policy Case: દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી (આબકારી નીતિ) કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. CBI કેસમાં કોર્ટે પુરાવાઓના અભાવે બંને નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે CBI તેમની વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે રાઉઝ એવેન્યુ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ CBI હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે.

કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની અછત તરફ ધ્યાન દોરતા કહ્યું કે, ગંભીર આરોપોને પુરાવા સાથે સાબિત કરવાની જરૂર હોય છે, કારણ કે પુરાવા વિના કોઈ મુખ્ય કાવતરાખોરની ભૂમિકા સાબિત કરી શકાતી નથી. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, જો એવું જાણવા મળે કે સરકારી વકીલના દાવાઓ પુરાવા દ્વારા સાબિત નથી થયા, તો તેનાથી સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ઓછો થાય છે.
મનીષ સિસોદિયા અંગે કોર્ટનું અવલોકન
સિસોદિયાને મુક્ત કરતી વખતે દિલ્હી કોર્ટે જણાવ્યું હતું કે:
- સરકારી વકીલનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શક્યો નથી.
- સિસોદિયાના પક્ષે કોઈ પણ પ્રકારના ગુનાહિત ઈરાદાનો પુરાવો મળ્યો નથી.
- જ્યારે દસ્તાવેજોને રેકોર્ડ પર રહેલા નિવેદનો સાથે વાંચવામાં આવ્યા, ત્યારે તેમાં કોઈ ખોટા કામને બદલે માત્ર વહીવટી વિચારણા (Administrative deliberation) જોવા મળી હતી.
'મોટા ષડયંત્ર'ની થિયરી નકારી કાઢી
કોર્ટે આગળ જણાવ્યું કે, એક્સાઈઝ પોલિસી બનાવવાની પ્રક્રિયામાં અનેક સ્તરો પર સલાહ-સૂચનો લેવામાં આવ્યા હતા, જેમાં દસ્તાવેજો પરથી સંસ્થાકીય વિચાર-વિમર્શ સ્પષ્ટ જણાય છે. કોર્ટે ટિપ્પણી કરી કે, "પ્રોસિક્યુશન (તપાસ પક્ષ) ની મોટા ષડયંત્રની થિયરીમાં દમ નહોતો અને તેમની વાર્તામાં આંતરિક ગૂંચવણો હતી."












Click it and Unblock the Notifications
