
Delhi MCD Election : AAP ને મળશે 230 સીટ, મનિષ સિસોદિયાએ કર્યો દાવો
Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે. ઉમેદવારી પરત ખેંચવા તેમજ ચૂંટણી માટે ચિહ્ન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ હવે આજે એટલે કે 2 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં 250 વોર્ડમાં કુલ 1.45 કરોડ મતદાતાઓ છે.
આમ આદમી પાર્ટી દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 વોર્ડમાંથી 230 બેઠકો જીતશે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. મતદાન પહેલા ભાજપ અધ્યક્ષે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, આજે અમારી મહેનત ફળશે. હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો છે, જેમાં મનિષ સિસોદિયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 વોર્ડમાંથી 230 બેઠકો જીતશે.
મનીષ સિસોદિયાએ ભાજપ પર સાધ્યું નિશાન
મનીષ સિસોદિયાએ માત્ર આમ આદમી પાર્ટીની જીતના દાવા સાથે સાથે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો જાણે છે કે, MCDનું કામ સફાઈ કરવાનું છે, પરંતુ આ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે. પરંતુ તમારા સમર્થનથી જો AAP સરકાર સત્તામાં આવશે, તો કેજરીવાલ જી તમામ જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશે. આપણે સાથે મળીને દિલ્હીને કચરા મુક્ત બનાવીશું.
મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, MCD નું કામ દિલ્હીનો કચરો સાફ કરવાનું, વેપારીઓને પ્રમાણિક લાયસન્સ આપવાનું, શેરીઓ બનાવવાનું, પાર્ક સાફ કરવાનું છે. જોકે, આ તમામ મુદ્દાઓ પર AAP સરકાર ખરી ઉતરશે. દિલ્હીની જનતાને વોટ કરવાની અપીલ કરતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, તમે એ વિચારીને તમારો મત આપો કે, તમે દિલ્હીને સ્વચ્છ રાખવા માટે મતદાન કરી રહ્યા છો.
7 ડિસેમ્બરના રોજ થશે મતગણતરી
રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1,45,05,358 છે - 78,93,418 પુરૂષો, 66,10,879 મહિલાઓ અને 1,061 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં કુલ 250 વોર્ડ છે.