દિલ્લીમાં હાઈપ્રોફાઈલ 25 કરોડની ચોરીનો માસ્ટર માઈન્ડ લોકેશ શ્રીવાસ પકડાયો, 20 કલાક રહ્યો જ્વેલરી શોરુમમાં
Delhi Jewellery Thief Lokesh Srivas: દેશની રાજધાની દિલ્હીમાં થયેલી 25 કરોડની હાઈપ્રોફાઈલ ચોરીના મુખ્ય સૂત્રધાર ચોર લોકેશ શ્રીવાસ ઉર્ફે ગોલુની ધરપકડ કરવામાં આવી છે. લોકેશ શ્રીવાસે એકલા હાથે આ ચોરીનું આયોજન કર્યું હતું. લોકેશ શ્રીવાસ પાસે ચોરી કરવાની અનોખી રીત હતી. ચોરી જેવા ગુના કરતા પહેલા તે હંમેશા કલાકો સુધી ભૂખ્યો રહે છે.
લોકેશ શ્રીવાસ છત્તીસગઢનો રહેવાસી છે. ચોરીને અંજામ આપવા માટે તે છત્તીસગઢથી એકલો દિલ્હી આવ્યો હતો. તે હજુ પણ ના પકડાત પરંતુ છત્તીસગઢમાં એક ચોરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું હતું કે એક વ્યક્તિ "મોટું કામ" કરીને દિલ્હીથી પાછો આવ્યો હતો. જે બાદ દિલ્હી પોલીસ અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત ઑપરેશન હેઠળ તેની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે લોકેશ શ્રીવાસ આ મહિનાની શરૂઆતમાં બસથી એકલો દિલ્હી આવ્યો હતો. તેણે જ્વેલરી શોરૂમની તપાસ કરી અને તે પણ જાણ્યું કે ભોગલ વિસ્તારમાં ઉમરાવ જ્વેલરીનો શોરૂમ સોમવારે બંધ રહે છે. જે બાદ તેણે ચોરીનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેણે શોરૂમની અંદર જઈને ત્યાંથી બધો સામાન ગાયબ કરીને ભાગી જવાની યોજના બનાવી હતી.
લોકેશ શ્રીવાસ 24 સપ્ટેમ્બર, રવિવારના રોજ લગભગ 11 વાગે બાજુની બિલ્ડીંગમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. અંદર જતાં જ તેણે પહેલું કામ સીસીટીવી તોડવાનું કર્યું. તે આખી રાત દુકાનમાં રહ્યો અને પહેલા ડમીએ પહેરેલા દાગીનાની ચોરી કરી. જે બાદ તે સ્ટ્રોંગરૂમમાં ગયો હતો. તેણે દિવાલમાં કાણું પાડ્યું અને સ્ટ્રોંગરૂમમાંથી તમામ ઝવેરાત પણ લઈ લીધા. તે જે રીતે આવ્યો હતો તે જ રીતે તે દુકાનમાંથી નીકળી ગયો.
લોકેશ શ્રીવાસ રવિવારે રાત્રે લગભગ 11.45 કલાકે શોરૂમમાં પ્રવેશ્યો હતો અને લગભગ 20 કલાક સુધી અંદર એકલા રહ્યા બાદ સોમવારે સાંજે 7 વાગે બહાર આવ્યો હતો. આ દરમિયાન તેણે શોરૂમમાં રાખેલા ફ્રીજમાંથી ઠંડુ પીણું પીધું હતું.
મંગળવારે જ્યારે માલિકે દુકાન ખોલી ત્યારે તેમને ચોરીની જાણ થઈ, પરંતુ શ્રીવાસ ત્યાં સુધીમાં છત્તીસગઢ પહોંચી ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોકેશ દુકાન છોડીને દિલ્હીના કાશ્મીરી ગેટ પર ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ (ISBT) તરફ ચાલ્યો ગયો અને રસ્તામાં તેનો સામાન રાખવા માટે એક વધારાની બેગ પણ ખરીદી.
લોકેશ શ્રીવાસ છત્તીસગઢના બિલાસપુરનો રહેવાસી છે. તેની સામે અગાઉ પણ ચોરીના અનેક ગુના નોંધાયેલા છે. દિલ્હીમાં 25 કરોડની ચોરી કરતા પહેલા તેણે તેલંગાણામાંથી 40 કિલો સોનું પણ ચોરી લીધું હતું. તે દરમિયાન લોકેશ ત્યાં બિલ્ડીંગમાં 24 કલાક સુધી ભૂખ્યો રહ્યો. લોકેશને મોંઘી કારનો શોખ છે. તેની પાસેથી થાર કાર મળી આવી છે.
લોકેશ ઘણા કલાકો સુધી શાંતિથી ચોરીને અંજામ આપે છે. તે વિસ્તારની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કોઈપણ ચોરીની યોજના બનાવે છે. તે ગુનાના સ્થળે કોઈ પુરાવા છોડતો નથી. લોકેશ ચોરી પહેલા ખાવાનું ખાતો નથી, જેથી તેને ચોરી દરમિયાન બાથરૂમ જવાની જરૂર ન પડે.
પોલીસે એ પણ જણાવ્યું છે કે લોકેશ શ્રીવાસ બિલાસપુરમાં વાળંદ હતો અને પોતાનું સલૂન ચલાવતો હતો. તે લોકોના વાળ જાતે જ કાપતો હતો. સલૂન ચલાવતા લોકેશે જ્વેલરીની દુકાનોમાં ચોરીનો નવો ધંધો શરૂ કર્યો હતો. લોકેશે માત્ર જ્વેલરીના શોરૂમને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. લોકેશ શ્રીવાસ સામે ચોરીના 14 કેસ નોંધાયેલા છે, જેમાંથી 7 બિલાસપુરમાં જ છે.












Click it and Unblock the Notifications
