Earthquake in Syria: 6.5 ટન મેડિકલ મદદ સાથે IAFનુ એરક્રાફ્ટ સીરિયા રવાના
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દુનિયાભરમાં તેને મદદ મોકલવામાં આવી રહી છે. ભારત પણ સતત મદદ કરી રહ્યુ છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાનુ વિમાન 6.5 ટન મેડિકલ મદદ સાથે સીરિયા રવાના થયુ છે.
Earthquake in Syria: તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપે વિનાશ વેર્યો છે. આખી દુનિયા અહીંના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારત આ મુશ્કેલીના સમયમાં સતત મદદ પહોંચાડી રહ્યુ છે. અગાઉ રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમને તુર્કી-સીરિયા રવાના કરવામાં આવી હતી. હવે ભારતીય વાયુસેનાનુ વિમાન જીવનરક્ષક દવાઓ અને અન્ય મેડિકલ મદદ લઈને સીરિયા માટે રવાના થયુ છે.

ભારતીય વાયુસેનાનુ વિમાન C130J હર્ક્યુલસ તબીબી ઉપકરણો સાથે ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી સીરિયા માટે રવાના થયુ છે. આ એરક્રાફ્ટમાં 6.5 ટન ઈમરજન્સી મેડિકલ સામાન છે. મંગળવારે રાત્રે વિમાનને રવાના કરવામાં આવ્યુ છે. આ પહેલા સોમવારે વિમાનમાં મેડિકલ સામાનનુ લોડિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.
આરોગ્ય વિભાગના અધિકારી રાજેશ નાયરે જણાવ્યુ હતુ કે દવાઓ, જીવનરક્ષક દવાઓ અને અન્ય તબીબી સાધનો સાથે વાયુસેનાનુ વિમાન સીરિયા મોકલવામાં આવ્યુ છે, જ્યાં ભૂકંપના વિનાશમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા છે. આ મદદ વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની મદદથી મોકલવામાં આવી છે.
ઈમરજન્સીના સંજોગોમાં દર્દીઓને અપાતી દવાઓ મોકલવામાં આવી છે. મંત્રાલયની સૂચનાના આધારે દવાઓ એકત્ર કરવામાં આવી છે અને લોડ કરવામાં આવી છે. આ સામગ્રી લગભગ 6.5 ટન છે. આ મદદ અમારા અધિકારીઓ દ્વારા સીરિયામાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને સોંપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સોમવારે સીરિયા અને તુર્કીમાં એક પછી એક સતત ત્રણ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં અનેક મકાનો અને બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ 7800 લોકોના મોત થયા છે. તુર્કીમાં લગભગ 5800 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં 2000 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર તુર્કીમાં 31777 લોકો ઘાયલ થયા છે જ્યારે સીરિયામાં 3849 લોકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
