EDએ લાલુ પ્રસાદ યાદવના પરિવારની 6 કરોડની સંપત્તી જપ્ત કરી, જમીનને બદલે નોકરી કૌભાંડમાં કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને અન્યો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ નોકરીના બદલામાં જમીનના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ તેમની સાથે સંબંધિત છ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ પ્રોપર્ટી પટના અને ગાઝિયાબાદમાં લિસ્ટ કરવામાં આવી રહી છે. જો કે આ વાતની પુષ્ટિ થવાની બાકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત રેલ્વે નોકરીઓ-જમીન કૌભાંડમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ, તેમના પરિવાર અને અન્યો સામે તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે કેટલીક મિલકતો જપ્ત કરી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે.

આ કેસમાં ઈડીએ છેલ્લા કેટલાક મહિનામાં લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પુત્રીઓ મીસા ભારતી, ચંદા યાદવ અને રાગિણી યાદવ અને તેમના બાળકોના નિવેદનો નોંધ્યા હતા. કથિત કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યુપીએ-1 સરકારમાં રેલ મંત્રી હતા.
ED અને CBIનો આરોપ છે કે 2004-09 દરમિયાન ભારતીય રેલ્વેના અલગ-અલગ ઝોનમાં ગ્રુપ-ડીની પોસ્ટ પર વિવિધ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં સંબંધિત વ્યક્તિઓએ તેમની જમીન લાલુ પ્રસાદના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી.












Click it and Unblock the Notifications
