Lok Sabha Election 2024: 102 સીટો પર પ્રચારના પડઘમ શાંત, જાણો કઈ છે હૉટ સીટો? કયા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
Lok Sabha Election 2024: દેશમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. 21 રાજ્યોની 102 લોકસભા સીટો માટે ચૂંટણી પ્રચારનો સમય બુધવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. આ સાથે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ પૂરો થયો.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દેશના 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કુલ 1626 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે.

પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 8, રાજસ્થાનમાંથી 13, મધ્યપ્રદેશમાંથી 6, આસામમાંથી 5, બિહારમાંથી 4, મહારાષ્ટ્રમાંથી 5, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાંથી એક-એક, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાંથી બે-બે, ત્રિપુરાની એક, ઉત્તરાખંડની છ, તમિલનાડુમાં 39, પશ્ચિમ બંગાળની 3, સિક્કિમ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબાર, મિઝોરમ, પુડુચેરી, મણિપુર અને લક્ષદ્વીપમાં મતદાન યોજાશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અનેક રાજકીય હસ્તીઓની વિશ્વસનીયતાની કસોટી થશે. તેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાન, જિતિન પ્રસાદ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, નકુલ નાથ, કે અન્નામલાઈ, પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, નિસિથ પ્રામાણિક વગેરેનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, રામપુર, પીલીભીત, મુઝફ્ફરનગર, આસામની દિબ્રુગઢ, સોનિતપુર; છત્તીસગઢનું બસ્તર; બિહારની જમુઈ, ગયા; જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર સીટ; મધ્ય પ્રદેશની છિંદવાડા; તમિલનાડુની ચેન્નાઈ ઉત્તર, કોઈમ્બતુર, કન્યાકુમારી; મણિપુરની બંને બેઠકો, રાજસ્થાનની બિકાનેર અને પશ્ચિમ બંગાળની કૂચ બિહાર અને અલીપુરદ્વાર બેઠકો પર નજર રહેશે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેની પ્રેસ નોટ 16 માર્ચ, 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. 20 માર્ચ, 2024ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ, 2024 હતી. આ પછી, તેમની તપાસ 28 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવી હતી. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 હતી.












Click it and Unblock the Notifications
