
Exit Polls: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે? જાણો શું કહે છે એક્ઝીટ પોલ
Exit Polls on Bharat Jodo Yatra: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલતી કોંગ્રેસની ભારત જોડો યાત્રા મોટાપાયે જનસંપર્ક કરી રહી છે અને આનાથી ચૂંટણીમાં વાપસીની કોંગ્રેસને આશા પણ છે. જો કે કોંગ્રેસે ઘણી વાર સ્પષ્ટ કર્યુ છે કે ભારત જોડો યાત્રાને ચૂંટણી રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી. ગુજરાત અને વિધાનસભા ચૂંટણી તેમજ દિલ્લી નગર નિગમની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝીટ પોલના અનુમાનો પણ સામે આવી ગયા છે. ત્યારે ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે કે નહિ તેના પર ઈન્ડિયા ટુડે-એક્સિસ માઈ ઈન્ડિયાને એક્ઝીટ પોલ જાહેર કર્યો છે.

દિલ્લી નગર નિગમની ચૂંટણી પર ભારત જોડો યાત્રાની અસર
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ દર્શાવે છે કે કોંગ્રેસને ભારત જોડો યાત્રાથી કોઈ તાત્કાલિક ફાયદો દેખાતો નથી. દિલ્લી એમસીડી ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ માટે વાપસી કરવાની સારી તક હતી. પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. AAP દિલ્લીમાં 250માંથી 149થી 171 વોર્ડ જીતી શકે છે, જ્યારે ભાજપ 69થી 91 વોર્ડ જીતી શકે છે. કોંગ્રેસ 3થી 7 વોર્ડ જીતે તેવી શક્યતા છે.

ગુજરાત ચૂંટણી પર ભારત જોડો યાત્રાની અસર
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનુ શાસન છે. અહીં કોંગ્રેસ માટે સારી તક હતી. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને જ વધુ બેઠકો મળી શકે છે. આંકડા દર્શાવે છે કે ભાજપ 129થી 151 બેઠકો સાથે જંગી જીત નોંધાવશે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપ ગુજરાતમાં 46 ટકા વોટ શેર મેળવી શકે છે, ત્યારબાદ કોંગ્રેસ 26 ટકા અને AAP 20 ટકા વોટ શેર મેળવી શકે છે.

હિમાચલ પ્રદેશમાં ભારત જોડા યાત્રાની અસર
હિમાચલ પ્રદેશમાં સત્તાધારી પક્ષ હંમેશા ચૂંટણી હારે છે પરંતુ આ વખતે એક્ઝિટ પોલ મુજબ કાંટાની ટક્કર છે. જેમાં કોંગ્રેસ અહીં થોડી લીડ દર્શાવે છે. જો કોંગ્રેસ હિમાચલને ભાજપ પાસેથી છીનવવામાં નિષ્ફળ જશે તો માત્ર રાહુલ ગાંધી અને પાર્ટીના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટીકાનો સામનો નહિ કરવો પડે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ પણ પહાડી રાજ્યમાં વ્યાપક પ્રચાર કર્યો છે.