આસામમાં ઉગ્રવાદીઓએ 7 ટ્રકમાં આગ લગાવી, 5 ડ્રાઈવરના મોત!
આસામ-મેઘાલય વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ગુરુવારે રાત્રે કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ સાત ટ્રકોને સળગાવી હતી. આસામના દિમા હસાઓ જિલ્લામાં દિયુંગબ્રા નજીક બનેલી આ ઘટનામાં પાંચ લોકોના મોતના પણ અહેવાલ છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનાના કેટલાક ફોટોમાં વાહનો ધુમાડા સાથે સળગતા જોઇ શકાય છે.

મીડિયા અહેવાલો અનુસાર, આસામ પોલીસે દિમા હસાઓના ઉમરાંગસો-લંકા રોડ પર ડિસમાઓ ગામ નજીક સળગાવી દેવાયેલી ટ્રકો પાસેથી પાંચ મૃતદેહો પણ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ઉગ્રવાદીઓએ કેટલાક રાઉન્ડ ફાયર કર્યા બાદ સાત ટ્રકોને આગ લગાવી દીધી. માર્યા ગયેલા તમામ લોકો ટ્રક ડ્રાઈવર છે, આ તમામના આગમાં દાઝી જવાથી મોત થયા છે. પોલીસને હુમલા પાછળ શંકાસ્પદ DNLA આતંકવાદી જૂથની સંડોવણી હોવાની શંકા છે. ઘટના બાદ આસામ રાઇફલ્સની મદદથી વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બીજી તરફ આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદી વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે બંને રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં સરહદ પર એકઠા થયા હતા. આ દરમિયાન મેઘાલયના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તણાવ વચ્ચે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા ઘાયલ થયા હતા. મંગળવારે લોકોમાં આવા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા કે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાના ઉમલાફર વિસ્તારમાં મેઘાલયના બે લોકો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્થાનિક લોકો ગુસ્સે થયા હતા અને 300 લોકો રિ-ભોઇ જિલ્લામાં ભેગા થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
