For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલન : ખેડૂતોની એક દિવસ માટે રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાળ માટે અપીલ- BBC TOP NEWS

ખેડૂત આંદોલન : ખેડૂતોની એક દિવસ માટે રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાળ માટે અપીલ- BBC TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના ત્રણ વિવાદિત કૃષિકાયદાઓને પાછા ખેંચવાની માગ સાથે દિલ્હીની સરહદો પર ખેડૂતો અડગ છે. 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલી બાદ હવે ખેડૂતોની માગ સરકાર સુધી પહોંચાડવા માટે ખેડૂતોએ 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાળ પાળવાની અપીલ કરી છે.

ફાયનાન્સિયલ એક્સપ્રેસને એક ખેડૂત નેતા અમરજીત સિંઘ રાડાએ જણાવ્યું હતું, “અમે 30 જાન્યુઆરીના રોજ સદ્ભાવના દિવસની ઉજવણી કરવાના છીએ. અમારા નેતાઓ સવારના નવ વાગ્યાથી માંડીને સાંજના પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરશે.”

“અમે શનિવારની આ રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાળમાં બધા ભાગ લે તેવી અપીલ કરીએ છીએ.”

નોંધનીય છે કે 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી બાદ દિલ્હીમાં અનેક સ્થળોએ હિંસા થઈ હતી. જેને પગલે ઘણા ખેડૂત નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

ટ્રૅક્ટર રેલીની હિંસા બાદથી ખેડૂતોનો પક્ષ નબળો પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ નોંધનીય છે કે હજુ સુધી દિલ્હીની વિવિધ સરહદોએ જુદાં જુદાં ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે.


સેન્સેક્સમાં છ દિવસમાં 3,500 પૉઇન્ટનો કડાકો

પ્રતીકાત્મક તસવીર

લાઇવમિન્ટના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે BSE, સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત છઠ્ઠા દિવસે કડાકો અનુભવાયો છે. આ તમામ ઇન્ડેક્સમાં શુક્રવારે સરેરાશ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 588 પૉઇન્ટ તૂટીને 46,285 પૉઇન્ટ સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે કારણે તે 13,634ની સપાટી પર પહોંચ્યો હતો.

શુક્રવારે દિવસના અંતે ભારે વેચવાલીને પગલે આ ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે સેન્સેક્સમાં ઘટાડાનો આ સતત છઠ્ઠો દિવસ છે. પાછલા છ દિવસમાં સેન્સેક્સમાં 3500 પૉઇન્ટનો ઘટાડો થઈ ચૂક્યો છે.

અહેવાલ અનુસાર HDFCના રિટેઇલ રિસર્ચના હેડ દીપક જસાણીએ કહ્યું હતું, “કોરોનાના રસીકરણની ઝડપ અને તેની કિંમતોને લઈને સર્જાયેલા વાતાવરણને કારણે ગ્લોબલ નવર્સનેસને પગલે અઠવાડિયાના અંતે નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.”

તેમણે ઘટાડાનાં કારણો વિશે આગળ વાત કરતાં લખ્યું, “આગામી બજેટને લઈને રહેલી શંકાઓને પગલે રોકાણકારો પોતાની સ્થિતિ હળવી બનાવવા માગતા હતા. શુક્રવારની અસ્થિરતા કારણે આ તમામ ઇન્ડેક્સમાં સુધારાની આશા અંગે આશંકાની પરિસ્થિતિ સર્જી છે. આગામી સેશનમાં નિફ્ટીમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.”

નોંધનીય છે કે શુક્રવારના રોજ ડૉ. રેડીઝ, મારુતિ, ભારતી એરટેલ, બજાજ ઑટો, TCS અને બજાજ ફિનસર્વને સૌથી વધુ ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો.


વઘઈ-બીલિમોરા વચ્ચેની 107 વર્ષ જૂની હેરિટેજ ટ્રેન સેવા યથાવત્ રાખવાનો નિર્ણય

ટ્રેન

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા 107 વર્ષ જૂની વઘઈ અને બીલિમોરા વચ્ચેની નેરો ગૅજ હેરિટેજ ટ્રેન સેવા સહિત અન્ય બે ટ્રેનો કાયમ માટે બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

વઘઈથી બીલિમોરા વચ્ચે ચાલતી ટ્રેન સિવાય ચોરાંડા અને માલસર, તેમજ ચોરાન્ડા જંક્શન અને મોટી કરાલ વચ્ચે ચાલતી નેરો ગૅજ ટ્રેન સેવા કાયમ માટે બંધ કરવાનો નિર્ણય ફેરવી નાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગત વર્ષ 10 ડિસેમ્બરના રોજ મિનિસ્ટ્રી ઑફ રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુદિત ચંદ્રાએ પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજરોને પત્ર લખીને 11 'બિનઆર્થિક બ્રાન્ચ લાઇન્સ’ અને નેરો ગૅજ સેક્શન હંમેશાં માટે બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં ગુજરાતની પણ ત્રણ ટ્રેન સેવાનો સમાવેશ થતો હતો.

નોંધનીય છે કે આ ત્રણેય હેરિટેજ ટ્રેન સેવા બંધ કરવાના રેલવે ઑથૉરિટીના નિર્ણય અંગે સ્થાનિકો સહિત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ પણ આ ટ્રેન સેવા કાયમ માટે બંધ ન કરાય તેવી રજૂઆત કરાઈ હતી.

અહેવાલ અનુસાર સમાજસેવક બિપિન રાજપૂતે રેલવે ઑથૉરિટીના આ નિર્ણય અંગે વાત કરતાં કહ્યું, “અમે આ નિર્ણયથી ખુશ છીએ. આ મામલે ડાંગના લોકોની જીત થઈ છે. અમે આ ટ્રેન સેવાનું હેરિટેજ મૂલ્ય સમજવા માટે રેલવે મિનિસ્ટ્રીના આભારી છીએ.”

https://www.youtube.com/watch?v=2mRMZV5ak40


ગુજરાત : દાણચોરી મામલે કસ્ટમ વિભાગના બે અધિકારીઓ સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે CBI દ્વારા શુક્રવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઍરપૉર્ટ પરથી સોનું અને અન્ય કિંમતી વસ્તુઓની દાણચોરી મામલે અમદાવાદ કસ્ટમ વિભાગમાં કાર્યરત્ બે સુપરિન્ટેન્ડેન્ટ સહિત સાત સામે FIR દાખલ કરાઈ છે.

CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ કસ્ટમ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ચૌધરી અને સુજીત કુમાર સહિત સજાહન ચૌધરી, શાહીદુલ ચૌધરી, મોહમ્મદ સરફરાઝ મન્સૂરી, શમીમ અને મોહમ્મદ આઝમ સામે IPCની કલમ 120 B અંતર્ગત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

27 જૂન, 2019ના રોજ શાહીદુલ ચૌધરી અને મોહમ્મદ સરફરાઝ મન્સૂરી દુબઈથી સોનું અને અન્ય વસ્તુઓની દાણચોરી કરતાં ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના હાથે ઝડપાયા હતા. આ ગુનાની તપાસમાં કસ્ટમ વિભાગના બે અધિકારીઓનાં પણ નામ સામે આવ્યાં હતાં. જે બાબત હવે CBIએ ગુનો નોંધ્યો છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=c7uuzbKVlx8

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Farmers appeal for a one-day nationwide hunger strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X