Private Jet Crash : ફર્રુખાબાદમાં પ્રાઇવેટ જેટ ક્રેશ, સવાર હતા વુડપેકર કંપનીના MD સહિત 6 લોકો
Private Jet Crash : ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં આવેલી મોહમ્મદાબાદની સરકારી એર સ્ટ્રીપ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. ટેકઓફ કર્યાના ગણતરીની મિનિટોમાં જ એક ખાનગી જેટ વિમાન અનિયંત્રિત થઈ ગયું અને રનવેની બાજુમાં ઝાડીઓમાં ઘૂસી ગયું.
જો કે, આ ગંભીર અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 6 લોકો આબાદ બચી ગયા અને કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી.

જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ (VT-DEJ)નું આ ખાનગી જેટ ભોપાલ જવા માટે તૈયાર હતું. આ વિમાનમાં વુડપેકર ગ્રીન એંગ્રી ન્યુટ્રી પેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અજય અરોડા સહિત અન્ય વેપારીઓ અને પાઇલટ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે બની હતી. વિમાન લગભગ 400 મીટર રનવે પર દોડ્યા બાદ અચાનક કાબૂ બહાર ગયું અને એર સ્ટ્રીપની બાઉન્ડ્રી નજીક ઝાડીઓમાં ઘૂસી ગયું.
સદભાગ્યે વિમાનનો આગળનો (નોઝ) ભાગ ક્ષતિગ્રસ્ત થયો હોવા છતાં ફ્યુઅલ ટેન્ક સુરક્ષિત રહી, જેના કારણે કોઈ મોટો વિસ્ફોટ ટળી ગયો.
કંપનીના ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, આ અકસ્માત જેટના પૈડામાં હવાનું દબાણ ઓછું હોવાને કારણે થયો હતો. પાઇલટને આ વિશે પહેલેથી જાણ હોવા છતાં તેણે લાપરવાહી દાખવી.
MD અજય અરોડાએ માહિતી આપી કે તે ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બીયર ફેક્ટરીનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા હતા.
આ અકસ્માત બાદ સરકારી એર સ્ટ્રીપના સંચાલન અને સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો કે વિમાનના લેન્ડિંગની સૂચના માત્ર 30 મિનિટ પહેલા અને ટેકઓફની સૂચના માત્ર 25 મિનિટ પહેલા આપવામાં આવી હતી.
નિયમ મુજબ, આવી ફ્લાઇટ્સ માટે ઓછામાં ઓછા 12 કલાક પહેલા સત્તાવાર જાણ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત ટ્રેઝરી ફી પણ જમા કરવામાં આવી ન હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ડો. અનિલ કુમારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
