રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, હવે ટ્રેનમાં ફરીથી ગરમ ભોજન મળશે!
ટૂંક સમયમાં જ મુસાફરોને ફરી એકવાર ટ્રેનોમાં રાંધેલું ગરમ ભોજન મળશે. ભારતીય રેલ્વે બોર્ડે શુક્રવારે કહ્યું કે ટ્રેનોમાં રાંધેલું ભોજન પીરસવાનું ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી, 19 નવેમ્બર : ટૂંક સમયમાં જ મુસાફરોને ફરી એકવાર ટ્રેનોમાં રાંધેલું ગરમ ભોજન મળશે. ભારતીય રેલ્વે બોર્ડે શુક્રવારે કહ્યું કે ટ્રેનોમાં રાંધેલું ભોજન પીરસવાનું ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી પછી રેલ મુસાફરી માટે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેમાં ખોરાક રાંધવાનું પણ બંધ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ હવે ફરીથી રાંધેલુ ભોજન મળશે. જો કે, રેલ્વેએ ટ્રેનમાં કઇ તારીખથી ભોજન મળશે તેની માહિતી આપી નથી. રેલવે ટૂંક સમયમાં આ અંગેની માહિતી આપશે.

રેલ્વે બોર્ડે શુક્રવારે એક પત્રમાં જણાવ્યું હતું કે, તેને તેના પ્રવાસન અને કેટરિંગ શાખા ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ને સેવાઓ ફરી શરૂ કરવા કહ્યું છે. રેલવે બોર્ડે કહ્યું છે કે યાત્રીઓને ખાવા માટે તૈયાર ભોજન પણ પીરસવાનું ચાલુ રહેશે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવા મુસાફરોની જરૂરિયાતો અને ખાણીપીણી, રેસ્ટોરન્ટ, હોટેલ અને દેશભરના આવા અન્ય સ્થળો પર કોવિડ લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવાને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલયે ટ્રેનોમાં રાંધેલા ભોજનની સેવાઓ ફરી શરૂ કરવા નિર્ણય લેવાયો છે. તૈયાર ભોજનની સેવા પણ ચાલુ રહેશે.
મુસાફરો માટે ઓન-બોર્ડ કેટરિંગ સેવા અને અન્ય સુવિધાઓ ક્યારે શરૂ થશે તે અંગે આઈઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે રેલવે બોર્ડના આદેશની રાહ જોવાઈ રહી છે. રેલવે બોર્ડ તરફથી આદેશ આવતાં જ આ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2020 થી રેલ્વેએ કેટરિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ મોટાભાગની સામાન્ય સેવાઓ શરૂ થઈ ગઈ છે, તેથી રેલવે પણ સેવાઓને સામાન્ય બનાવી રહી છે.












Click it and Unblock the Notifications
