ગુરૂગ્રામ: રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની હત્યા

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે સવારે દિલ્હી પાસે આવેલ એક શાળાના બાથરૂમમાંથી બીજા ધોરણના એક વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરનું શબ મળી આવ્યું હતું. ભોંડસીની રિયાન ઇન્ટરનેશનલ શાળાના શૌચાલયમાંથી આ 7 વર્ષના વિદ્યાર્થીનું શબ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર, આ બાળકની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી અને ત્યાર બાદ શબ શૌચાલયમાં લઇ જવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ryan internation school

ઘટનાસ્થળેથી મળ્યું ચપ્પુ

સોહાના રોડ પર સ્થિત રિયાન ઇન્ટરનેશનલ શાળામાં શુક્રવારની સવારે જ્યારે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શૌચાલયમાં નાનકડા પ્રદ્યુમ્નનું શબ જોયું, ત્યારે શાળામાં જાણે ધરતીકંપ આવ્યો હતો. શાળા દ્વારા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબો અનુસાર હોસ્પિટલ લાવતા પહેલાં જ પ્રદ્યુમ્નનું મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાબડતોડ શાળાએ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે ઘટનાસ્થળેથી એક ચપ્પુ પણ કબજે કર્યું છે. પોલીસ અનુસાર, હત્યારાએ ગળું દબાવી બાળકની હત્યા કરી હતી અને શબને બાથરૂમમાં લાવ્યા બાદ તે બારીમાંથી કૂદીને ભાગી ગયો હોવાની શક્યતા છે.

ryan internation school

CCTV ફૂટેજની પણ તપાસ

બાળકના ગળા પર મળેલ નિશાનને આધારે પોલીસ અનુમાન લગાવી રહી છે કે, બાળકની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની જાણકારી મળી શકે એમ છે. પોલીસ શાળામાં લાગેલ સીસીટીવ ફૂટેજની પણ તપાસ કરી રહી છે. શાળાએ પહોંચેલ પરિવારજનોની પીડા અસહ્ય છે. તેમનું કહેવું છે કે, શાળાના કર્મચારીઓને સવારે 7 વાગે બાળકનું શબ મળ્યું હતું, પરંતુ તેમને 9 વાગે જાણ કરવપામાં આવી. સૌ પ્રથમ શાળાના માળીએ પ્રદ્યુમ્નને જોયો હતો.

પહેલીવાર નથી બની આ ઘટના

ઉલ્લેખનીય છે કે, રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરી, 2016માં પણ દિલ્હીના પૉશ વિસ્તાર વસંત કુંજની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6 વર્ષના બાળકનું એક શબ મળી આવ્યું હતું. દિવ્યાંશ નામનો 6 વર્ષનો બાળક કવિતા સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાએ પહોંચ્યો હતો, પરંતુ તેનું શબ પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું. ત્યારે પણ શાળા પર અનેક સવાલો થયા હતા. આ બાળકના પરિવારજનો દ્વારા શાળાના પ્રશાસન પર બેદરકારીનો આરોપ મુકવામાં આવ્યો હતો.

English summary
Gurugram student body found in toilet in Ryan International School Bhondsi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.