હરિયાણા ચૂંટણીઃ જાતિ-વર્ગના સમીકરણને કારણે કોંગ્રેસને થઈ શકે છે ફાયદો
છેલ્લા બે સપ્તાહમાં જ હરિયાણામાં ચૂંટણીના રાજકારણની દશા અને દિશા બદલાતી દેખાઈ રહી છે. પ્રદેશમાં નેતૃત્ત્વના સંકટમાંથી બહાર નીકળવાની સાથે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં મજબૂત દેખાઈ રહી છે.
છેલ્લા બે સપ્તાહમાં જ હરિયાણામાં ચૂંટણીના રાજકારણની દશા અને દિશા બદલાતી દેખાઈ રહી છે. પ્રદેશમાં નેતૃત્ત્વના સંકટમાંથી બહાર નીકળવાની સાથે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં મજબૂત દેખાઈ રહી છે. એટલું જ નહીં ચૂંટણીની જવાબદારી સોંપવાની સાથે સાથે ટિકિટ વહેંચણીમાં પણ જે રીતે કોંગ્રેસ આગળ વધી છે, તેના કારણે રાજકીય વિશ્લેષકો પણ ફેરવિચારણા કરવા મજબૂર બન્યા છે. ઉપરથી INLDની નબળી સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, કોંગ્રેસને સારો એવો ફાયદો થઈ શકે છે. કારણ કે 2014ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરિયાણામાં 22.99 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 20.58 ટકા વોટ મળ્યા હતા, જે 2019ની લોકસભા ચૂંટણીમાં વધીને 28.42 ટકા થઈ ગયા.

દરેક જાતિ અને વર્ગનું પ્રતિનિધિત્વ
જો આ વખતે હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવારો પર નજર નાખીએ તો સ્પષ્ટ છે કે પક્ષે દરેક સમાજ અને વર્ગને તેમનો હક આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે પાર્ટીએ જો 26 જાટ ઉમેદવારોને ટિકિટ આપી છે તો અનુસૂચિત જાતિના 17 ઉમેદવારોને પણ મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે 6 મુસલમાન, 6 પછાત વર્ગ, 6 આહીર, 6 ગુર્જર, 5 બ્રાહ્મણ, 4 પંજાબી, 3 રાજપૂત, 3 જાટ શીખ અને બિશ્નોઈ સમાજના 2 ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે જનાધાર વધારવા માટે હરિયાણા જેવા રાજ્યમાં આ લિસ્ટ ખૂબ જ યોગ્ય અને પ્રામાણિક દેખાઈ રહ્યું છે.

સમાજની વિચારધારા
હરિયાણામાં જાટની વસ્તી 25 ટકાથી વધુ ગણાય છે. જ્યારે ભારતમાં દલિત વસ્તી મામલે હરિયાણા જેવું નાનુ રાજ્ય 5માં નંબરે છે. અહીં અનૂસૂચિત જાતીની વસ્તી 20 ટકા છે. આ જ રીતે આંકડા દર્શાવે છે કે રાજ્યમાં લગભગ 8 ટકા પંજાબી, 7.5 ટકા બ્રાહ્ણણ, લગભગ 5 ટકા આહીર એટલા જ વૈશ્ય અને લગભગ 3.50 ટકા ગુર્જર, 4 ટકા જાટશીખ અને 3.5 ટકા રાજપૂત, 4 ટકા મેવ અ મુસ્લિમ અને 1 ટકા કરતા ઓછી બિશ્નોઈ સમાજની વસ્તી છે. આ રીતે જોઈએ તો પાર્ટીએ સમાવેશી સમાજની વિચારધારા અપનાવી છે અને કદાચ પક્ષની કોશિશ છે કે કોઈ પણ સમાજ કોંગ્રેસથી દૂર ન રહી જાય.

અનુભવી નેતૃત્ત્વની જુગલબંધી
ચૂંટણીમાં કોંગ્રેસ હરિયાણામાં સૌથી વધુ વસ્તી ધરાવતા સમાજના લોકોને નેતૃત્ત્તવ સોંપ્યુ છે, પરંતુ તેના કરતા વધુ ધ્યાન અનુભવ પર આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ હૂડ્ડા 10 વર્ષ સુધી રાજ્યમાં સરકાર ચલાવી ચૂક્યા છે, તો કુમારી શૈલજાના રાજકીય કરિયરનો વ્યાપ પણ લાંબો છે. હુડ્ડા હરિયાણાના માસ લીડર હોવાની સાથે સાથે સૌથી મોટા જાટ નેતા છે, તો કુમારી શૈલજા દલિત ચહેરો છે.

નબળી INLDથી કોંગ્રેસને ફાયદો
હરિયાણાના રાજકારણનું નિર્વિવાદિત સત્ય એ છે કે જાટ સમાજનો રાજકીય દબદબો રહ્યો છે. જ્યારે INLD શક્તિશાળી હતી, ત્યારે પણ હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસ સત્તા સુધઈ પહોંચતી હતી. પરંતુ ચૌટાલા પરિવારમાં વિખવાદ બાદ આજે INLD પાસે અસ્તિત્વ બચાવવાની લડાઈ છે. તેનો વોટશેર લોકસભા ચૂંટણીમાં ઘટીને 1.89 ટકા થઈ ચૂક્યો છે. ત્યારે સ્પષ્ટ છે કે જાટ સમાજના મોટા ભાગના વોટ પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની આગેવાનીવાળી કોંગ્રેસને મળવાની શક્યતા વધુ છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીની રેલીને લઈ હરિયાણા કોંગ્રેસમાં 'મહાભારત', જાણો સમગ્ર મામલો












Click it and Unblock the Notifications
