પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા, આ રાજ્યોમાં ગાત્રો થીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા જોવા મળી છે. આ બરફ વર્ષાને કારણે દેશના અન્ય રાજ્યોમાં ઠંડીમાં વધારો થતો જોવા મળશે.
કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે અને જમ્મુમાં ઠંડી વધી છે ત્યારે આવનારા દિવસોમાં ઠંડી જોર પકડશે અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ઠંડીના કારણે બહુ જલ્દી દાલ સરોવર થીજી જવાની શક્યતા છે.

બીજી તરફ હવામાન અનુસાર, દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જેના કારણે અહીં પણ ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. વરસાદથી દિલ્હીને પ્રદૂષણમાં પણ રાહત મળશે.
આ સિવાય પંજાબ-હરિયાણા, યુપી-બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગ અનુસાર, મેદાની વિસ્તારોમાં ધુમ્મસની અસર જોવા મળશે અને આ સપ્તાહના અંત સુધીમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ પણ જોવા મળી શકે છે.
તો ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા જોવા મળશે. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે 3000 મીટરથી વધુની ઊંચાઈએ હિમવર્ષા અને ધુમ્મસ પણ જોવા મળી શકે છે.
બીજી તરફ દક્ષિણમાં વરસાદે મુશ્કેલી સર્જી છે. ગયા અઠવાડિયે ચક્રવાતને કારણે તમિલનાડુમાં મોટી તબાહી સર્જાઈ છે. જ્યારે આ અઠવાડિયે પણ દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આજથી આગામી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે અને તેથી જ અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને લોકોને ઘરની બહાર નીકળતી વખતે હવામાન વિશે જાણકારી લેવા માટે કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
