
કુમાર વિશ્વાસના આરોપો પર કેજરીવાલે તોડી ચુપ્પી, કહ્યું- શાયદ હું દુનિયાનો સૌથી સ્વિટ આતંકવાદી છુ
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના આરોપોને લઈને ચાલી રહેલા રાજકીય ખળભળાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ સમગ્ર મામલે જવાબ આપતા કહ્યું કે તેઓ આ બધું કોમેડી માને છે. કેજરીવાલે કહ્યું કે જો તે આતંકવાદી છે, અલગતાવાદીઓના સમર્થક છે તો કેન્દ્ર સરકારની એજન્સીઓ આટલા લાંબા સમયથી શું કરી રહી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ અલગતાવાદીઓ સાથે ગઠબંધન કરીને દેશના બે ટુકડા કરીને વડાપ્રધાન બનવા માંગે છે.
કુમાર વિશ્વાસના આરોપોનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આ બધા લોકો ભેગા થયા છે. મોદીજી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ચન્ની સાબ, કેપ્ટન અમરિન્દર, સુખબીર બાદલ, સિદ્ધુ... આ બધા લોકો ભેગા થયા છે. અને, આ બધા લોકો એક સાથે શું આરોપ લગાવી રહ્યા છે કે કેજરીવાલ છેલ્લા 10 વર્ષથી દેશને બે ટુકડામાં વહેંચવાની યોજના બનાવી રહ્યા છે અને તેમાંથી તેઓ એક ટુકડે વડા પ્રધાન બનવા માંગે છે. મતલબ... તે કોમેડી થઇ ગઈ છે, તે હાસ્યસ્પદ બાબત છે.'
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, '10 વર્ષથી કેજરીવાલ એવી યોજના બનાવી રહ્યા છે કે હું દેશના બે ટુકડા કરી દઈશ અને તેમાંથી એકનો વડાપ્રધાન બનીશ. તો તેનો અર્થ એ છે કે હું બહુ મોટો આતંકવાદી બની ગયો છું. તો તેમની તમામ સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે? છેલ્લા 10 વર્ષમાં ત્રણ વર્ષ કોંગ્રેસની સરકાર હતી, તેઓએ શું કર્યું? સાત વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, મોદી સરકાર છે, મોદીજીએ શું કર્યું, મારી ધરપકડ કેમ ન કરી? તેમની એજન્સીઓ અત્યાર સુધી શું કરી રહી હતી?