અભણ કે ઓછું ભણેલા વડાપ્રધાન દેશ માટે ખતરનાક - અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતાં વડાપ્રધાન કાર્યાલયને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી બતાવવાની જરૂર ન હોવાનું જણાવ્યુ છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે કેજરીવાલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.
કોર્ટનો ચુકાદો આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના વડાપ્રધાન કેટલું ભણ્યાં છે? તેમણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો. શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે? આ શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા વડાપ્રધાન દેશ માટે ખતરનાક છે.
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા સાત વર્ષ પહેલા આપવામાં આવેલા આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીની અપીલને સ્વીકારતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટે તેમને ચાર અઠવાડિયાની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં રકમ જમા કરાવવા કહ્યું છે.
બીજી તરફ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ડિગ્રીને સાર્વજનિક કરવાથી વ્યક્તિની ગોપનીયતા પર અસર થાય છે. તુષાર મહેતાએ જણાવ્યું કે આ મુદ્દામાં જનહિતનો કોઈ મુદ્દો સામેલ નથી.












Click it and Unblock the Notifications
