IND vs PAK : સૂર્યકુમાર યાદવે રોહિત શર્માનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો
IND vs PAK : દુબઈમાં રમાયેલા એશિયા કપ 2025ના સૌથી મોટા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે.
આ વિજય સાથે ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવએ એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે કપ્તાન તરીકે સૌથી વધુ જીત મેળવીને રોહિત શર્માને પાછળ છોડ્યા છે અને ભારતનો સૌથી સફળ T20 કપ્તાન બન્યા છે.

આ મેચમાં ભારતે પ્રથમ બોલિંગ પસંદ કરીને પાકિસ્તાનને માત્ર 127 રન પર અટકાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને આ સ્કોર સુધી પહોંચી શકી હતી.
ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું, જેમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ શરૂઆતી ઝટકા આપ્યા. જ્યારે, કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેન ટકી શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 40 રન સાહિબજાદા ફરહાને બનાવ્યા હતા.
128 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી. જો કે, શરૂઆતમાં જ બે વિકેટ પડી ગઈ હતી, પરંતુ કપ્તાન સૂર્યકુમાર યાદવએ જવાબદારી સંભાળી. તેણે યુવા ખેલાડી તિલક વર્મા સાથે મળીને ભારતની ઇનિંગ્સને આગળ વધારી. સૂર્યાએ અણનમ 47 રનની ઇનિંગ્સ રમીને માત્ર 15.5 ઓવરમાં જ ભારતને જીત અપાવી.
આ જીત સાથે સૂર્યકુમાર યાદવે કપ્તાનીમાં પણ એક નવો મુકામ હાંસલ કર્યો છે. તેમણે અત્યાર સુધીમાં 24 T20 મેચોમાં કપ્તાની કરી છે અને તેમાંથી 20 મેચમાં ભારતને જીત અપાવી છે. તેમનો જીતનો દર 81.25% છે, જે રોહિત શર્માના 79.83%ના રેકોર્ડ કરતાં વધુ છે. સૂર્યા હવે ભારતનો સૌથી સફળ T20 કપ્તાન બની ગયા છે.
મેચ બાદ સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે તેમની ટીમ દરેક મેચને સમાન દૃષ્ટિથી જુએ છે અને ખાસ કરીને સ્પિનરો પર તેમનો ભરોસો છે. તેમણે આ જીત પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારોના નામ પર સમર્પિત કરી અને કહ્યું કે આખી ટીમ દેશની સાથે ઊભી છે. હવે સુપર-4માં ભારતનો આગામી મુકાબલો કઈ ટીમ સામે થશે તે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
