Tourist Visa: 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે ભારત સરકાર, જાણો કેમ
Indian Visa For Chinese Citizens : ભારતે કોવિડ-19 રોગચાળાને કારણે માર્ચ 2020માં તમામ પ્રવાસી વિઝા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. ત્યારથી, ચીની નાગરિકો માટે વિઝા સેવા બંધ હતી.

Tourist Visa: તાજેતરમાં આપણા વિદેશમંત્રીનાં ચીન પ્રવાસ પછી એવા અહેવાલો હતા કે ભારત-ચીન વચ્ચે હવે સંબંધો સુધરી શકે છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે 5 વર્ષના લાંબા ગાળા પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ, 2025થી ફરી શરૂ કરવામાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે બુધવારે આ નિર્ણયની માહિતી આપી. નોંધનીય છે કે, માર્ચ 2020માં ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. ત્યારથી ચીની નાગરિકો માટે વિઝા સેવા બંધ હતી.
અરજી કરવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
તમને જણાવી દઈએ કે, દૂતાવાસે એ પણ સ્પષ્ટતા કરી હતી કે બેઇજિંગમાં ભારતીય વિઝા સેન્ટરમાં પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરતી વખતે યોગ્ય રીતે જારી કરાયેલ 'Passport Withdrawal Letter' ફરજિયાત રહેશે. જૂન 2020 માં કોવિડ-19 રોગચાળા અને ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણો પછી બંને દેશો વચ્ચે મુસાફરી અને પરસ્પર સંપર્ક લગભગ સ્થગિત થઈ ગયો હતો. પાછલા વર્ષોમાં, ચીને ભારતીય વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને વિઝા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ સામાન્ય મુસાફરી પર પ્રતિબંધો યથાવત રહ્યા હતા.
જાણો કેમ બગડ્યા હતા ભારત-ચીન વચ્ચે સંબંધ?
ગલવાન ખીણની ઘટના પછી, બંને દેશો વચ્ચેના સંબંધો 1962ના યુદ્ધ પછી સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા. જો કે, પાછળથી રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોના અનેક રાઉન્ડ દ્વારા, સૈનિકોએ પેંગોંગ લેક, ગલવાન અને હોટ સ્પ્રિંગ્સ જેવા ઘણા તંગ વિસ્તારોમાંથી પાછા ખેંચી લીધા. ઓક્ટોબર 2024માં, ડેપ્સાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ એક કરાર થયો. આના થોડા દિવસો પછી, PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના કાઝાનમાં મળ્યા, જેમાં દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
બંને દેશો લોકો વચ્ચેનો સંપર્ક વધારવા માંગે છે
આ બધાની વચ્ચે હવે ભારત અને ચીન બંને લોકો વચ્ચેનો સંપર્ક વધારવા માંગે છે. આ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની અને કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની યોજના છે. કોવિડને કારણે આ યાત્રા બંધ થઈ ગઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું છે કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
