India US trade dispute : અમેરિકાના ટેરિફથી નાના ઉદ્યોગોને બચાવવા ચાર નવી યોજનાઓ લાવવાની તૈયારી
India US trade dispute : ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફના સમર્થનમાં આપેલા નિવેદન બાદ આ ચિંતા વધુ ઘેરી બની છે.
ટ્રમ્પે ભારતને દુનિયાનો સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશ ગણાવ્યો અને કહ્યું કે હાર્લી ડેવિડસન જેવી અમેરિકી કંપનીઓને ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માટે 200% સુધીની ડ્યુટી ચૂકવવી પડી હતી, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો એકતરફી રહ્યા છે.

અમેરિકી ટેરિફની ભારતીય ઉદ્યોગો, ખાસ કરીને MSME પર સંભવિત અસરને જોતાં ભારત સરકાર હવે સક્રિય થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર કોવિડ સમયગાળામાં અમલમાં મૂકેલી સફળ યોજનાઓ જેવી જ ચાર નવી સ્કીમ્સ લાવવાની તૈયારી કરી રહી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ નાના નિકાસકારો અને સ્થાનિક ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
કટોકટી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (Emergency Credit Line Guarantee Scheme)
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજના ફરીથી રજૂ થઈ શકે છે. તેનાથી MSME ને 100% સરકારી ગેરંટી સાથે કોલેટરલ-ફ્રી લોન મળી શકશે
સબઓર્ડિનેટ ડેટ યોજના (Subordinate Debt Scheme) અને ક્રેડિટ ગેરંટી ફંડ
આ યોજનાઓ સંકટમાં ફસાયેલા MSME ને રાહત આપવા માટે ફરીથી શરૂ થઈ શકે છે.
ફંડ ઑફ ફંડ્સ (Fund of Funds)
આનાથી MSME માટે મૂડીની ઉપલબ્ધતા વધશે અને તેમના વિકાસને વેગ મળશે.
આ ઉપરાંત સરકાર નિકાસ પ્રોત્સાહન મિશનને વધુ ઝડપી બનાવવાની યોજના ધરાવે છે. જેથી નિકાસ ઓર્ડર્સ પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય અને ખાલી પડેલી ઉત્પાદન ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકે.
આર્થિક નિષ્ણાતોના મતે, જો અમેરિકા લાંબા સમય સુધી 50% ટેરિફ જાળવી રાખે તો ભારતનું ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને નાના ઉત્પાદન ક્ષેત્ર પર ગંભીર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં સરકારની આ નવી પહેલ MSME ને નાણાકીય રાહત આપવા અને તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરશે.
બીજી તરફ ભારત રશિયા સાથેના સંરક્ષણ સંબંધોને પણ મજબૂત કરી રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ મુજબ, ભારત S-400 મિસાઈલ સિસ્ટમની વધારાની ખરીદી માટે વાતચીત કરી રહ્યું છે. આ સોદો ભારતની વ્યૂહાત્મક શક્તિ વધારશે, પરંતુ તેનાથી અમેરિકા સાથેના વેપારી અને રાજદ્વારી સંબંધો પર નવા પ્રશ્નો ઊભા થઈ શકે છે.












Click it and Unblock the Notifications
