Four Stars of Destiny Book: પુસ્તક પર હોબાળા વચ્ચે પૂર્વ આર્મી ચીફ નરવણેએ મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' હાલ ભારે વિવાદમાં છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવતા આ વિવાદે હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.
લાંબી ચુપકીદી તોડતા પૂર્વ સેના પ્રમુખ જનરલ નરવણેએ સોશિયલ મીડિયા પર પ્રકાશક 'પેંગ્વિન રેન્ડમ હાઉસ'નું સત્તાવાર નિવેદન શેર કર્યું છે. આ નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પુસ્તક હજુ સુધી સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું નથી.

પ્રકાશક દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ આ પુસ્તકની કોઈપણ ડિજિટલ કે પ્રિન્ટ નકલ અત્યાર સુધી બજારમાં વેચવામાં આવી નથી. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પુસ્તકના કથિત અંશો કે પીડીએફ ફાઈલો સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નકલી હોવાનું જણાવાયું છે.
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ આ મામલે કોપીરાઇટ ઉલ્લંઘન સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. પ્રકાશકે ભારપૂર્વક જણાવ્યું છે કે પુસ્તકની પ્રામાણિકતા જાળવવા માટે અનધિકૃત પ્રસાર સામે તેઓ પગલાં ભરવા તૈયાર છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ સંસદના બજેટ સત્રમાં દાવો કર્યો કે તેમણે આ પુસ્તક પોતે જોયું છે. તેમણે સવાલ કર્યો હતો કે જો પુસ્તક હજી છપાયું જ નથી, તો તે બજારમાં કેવી રીતે જોવા મળ્યું?
રાહુલ ગાંધીએ વર્ષ 2023ના જનરલ નરવણેના એક જૂના ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં પુસ્તકના પ્રી-બુકિંગની વાત હતી. આ ટ્વીટને આધાર બનાવીને વિપક્ષ દ્વારા સરકાર અને પૂર્વ જનરલ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
જોકે નિષ્ણાતોના મતે ઓનલાઈન પ્લેટફોર્મ પર પુસ્તકોનું પ્રી-બુકિંગ અને તેની વાસ્તવિક રિલીઝ વચ્ચે મોટો તફાવત હોય છે. ઘણીવાર પુસ્તકો ઓનલાઈન લિસ્ટ થઈ જાય છે, પરંતુ પ્રકાશકની અંતિમ મંજૂરી વગર તેની ડિલિવરી શરૂ થતી નથી.
સોશિયલ મીડિયા પર અગ્નિપથ યોજના અને સેના સાથે જોડાયેલા કેટલાક વિવાદાસ્પદ પાના વાયરલ થતા મામલો વધુ બિચક્યો હતો. વાયરલ થયેલા આ અંશોને કારણે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય નીતિઓ પર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
હવે જ્યારે જનરલ નરવણે અને પ્રકાશકે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે, ત્યારે વિપક્ષી દળો આ મુદ્દે શું નવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. આ વિવાદ હાલમાં સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.












Click it and Unblock the Notifications
