BSFની 'આત્મનિર્ભર K9 ફોર્સ'નું નેતૃત્વ હવે ભારતીય શ્વાન પ્રજાતિ કરશે
ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસમાં પ્રાચીન કાળથી આદરણીય સ્થાન ધરાવતા દેશી શ્વાન હવે સરહદ સુરક્ષા દળ (BSF) ના અગ્રણી બળ બની રહ્યા છે. PM નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ' ના આહ્વાનને સાકાર કરવાના હેતુથી, BSFએ તેના K9 એકમોમાં ભારતીય નસ્લના શ્વાનોનો સમાવેશ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

આ પહેલના મૂળ જાન્યુઆરી 2018માં છે, જ્યારે PMએ ટેકનપુર ખાતેના નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ્સ (NTCD) ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા દળોમાં ભારતીય પ્રજાતિઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બાદમાં, ઓગસ્ટ 2020માં 'મન કી બાત' કાર્યક્રમમાં પણ તેમણે દેશવાસીઓને દેશી શ્વાન પ્રજાતિઓ અપનાવવા માટે વિનંતી કરી હતી.

બે દેશી પ્રજાતિઓનો BSFમાં સમાવેશ
આ દ્રષ્ટિકોણ પર કાર્ય કરીને, BSFએ બે મુખ્ય ભારતીય પ્રજાતિઓનો સમાવેશ કર્યો છે:
1. રામપુર હાઉન્ડ (ઉત્તર પ્રદેશ): એક સમયે રામપુરના નવાબો દ્વારા શિકાર માટે ઉછેરવામાં આવતા, આ શ્વાન તેમની અજોડ ઝડપ અને સહનશક્તિ માટે જાણીતા છે. 2. મુધોલ હાઉન્ડ (કર્ણાટક): દખ્ખણના ઉચ્ચપ્રદેશના આ વતની મુધોલ હાઉન્ડ મરાઠા યોદ્ધાઓ સાથે જોડાયેલા છે. તે તેમની ચોકસાઈ અને વફાદારી માટે પ્રખ્યાત છે.
આ બંને પ્રજાતિઓ ચપળ, મજબૂત અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી હોવાથી ભારતના વિવિધ ભૂપ્રદેશોમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. આજે 150થી વધુ ભારતીય નસ્લના શ્વાન દેશની સૌથી પડકારજનક સરહદો અને નક્સલ વિરોધી કામગીરીમાં ગૌરવ સાથે સેવા આપી રહ્યા છે.

તાલીમ અને સંશોધન
BSFના DIG (વેટરનરી) ડૉ. ગોપેશ નાગે જણાવ્યું હતું કે, પ્રજનનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેમને હુમલો, પીછો અને સુંઘવાના કાર્યો માટે તૈયાર કરવામાં સમય લાગે છે, જે સામાન્ય રીતે ત્રણ પેઢીઓ જેટલો હોય છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રજાતિઓને વધુ સુધારવા માટે પશુપાલન મંત્રાલયના સહયોગથી જિનેટિક મેપિંગ અને લક્ષણ વૃદ્ધિ (trait enhancement) અભ્યાસ પણ ચાલી રહ્યા છે.

વૈશ્વિક મંચ પર સન્માન
ભારતીય શ્વાનોની શ્રેષ્ઠતાને વૈશ્વિક સ્તરે પણ માન્યતા મળી છે. વર્ષ 2024માં, BSF ના "રિયા" નામના મુધોલ હાઉન્ડ શ્વાને લખનઉમાં યોજાયેલી 'ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ' માં 'બેસ્ટ ઇન ટ્રેકર ટ્રેડ' અને 'બેસ્ટ ડોગ ઓફ ધ મીટ' બંને પુરસ્કારો જીતીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં તેણે 116 વિદેશી પ્રજાતિના હરીફોને પાછળ છોડી દીધા હતા.
આગામી એકતા દિવાસ પરેડ દરમિયાન, ગુજરાતના એકતા નગર ખાતે BSFનો એક પ્લાટૂન માત્ર ભારતીય નસ્લના શ્વાનો સાથે પરેડ કરશે, જે ભારતની આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ K9 ફોર્સનું એક શક્તિશાળી પ્રતીક બનશે. આ વફાદાર સેવકોના દરેક પગલામાં 'આત્મનિર્ભર ભારત'નો ઉત્સાહ અને રાષ્ટ્રસેવા પ્રત્યેની નિષ્ઠા છુપાયેલી છે.












Click it and Unblock the Notifications
