IndiGoએ એવિએશન ઈતિહાસની સૌથી મોટી ડીલ કરી, 500 એરક્રાફ્ટનો ઓર્ડર આપી TATAનો રેકોર્ડ તોડ્યો
ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે ટાટાએ એક સાથે 470 જેટલા એરબસ અને બોઈંગ વિમાનોનો ઓર્ડર આપીને એવિએશન ઈતિહાસની સૌથી મોટી ડીલ કરી છે. જો કે હવે ઈન્ડિગોએ આ રેકોર્ડ તોડતા 500 વિમાનોનો ઓર્ડર આપ્યો છે.
આ ડીલમાં ઈન્ડિગો A320NEO, A321NEO અને A321XLR સહિતના 500 એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે. ઈન્ડિગો બોર્ડ દ્વારા 50 બિલિયનના એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ ઈન્ડિગો એવિએશન ઈતિહાસની સૌથી મોટી એરક્રાફ્ટ ડીલ કરનારી કંપની બની ગઈ છે.

આ ડીલ બાદ એરબસ તરફથી એક નિવેદન રામે આવ્યુ છે. આ નિવેદનમાં કંપનીએ જણાવ્યુ કે, 500 એરક્રાફ્ટનો ઓર્ડર કોમર્શિયલ એવિએશન ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. આ નવીનતમ ડીલ બાદ ઈન્ડિગો દ્વારા ઓર્ડર કરાયેલ એરબસ એરક્રાફ્ટની કુલ સંખ્યા હવે 1330 થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, ઈન્ડિગોનો હાલ અડધાથી વધુ ડોમેસ્ટિક બજાર પર કબજો છે. ઈન્ડિગોએ તેના વિસ્તરણ અને વિશાળ કાફલાનો લાભ લીધો છે. ઈન્ડિગોની આ ડીલ માર્કેટને કબજે કરવા માટે કરવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, ઈન્ડિગો ડિલિવરી સ્લોટને ઠીક કરવા વિચારી રહી છે, જેથી કાફલો સચવાઈ રહે.
ઈન્ડિગોએ આ ઓર્ડર વિશે જણાવ્યું કે, પ્લેનની ડિલિવરી 2030 અને 2035ની વચ્ચે થશે. કંપનીએ કહ્યું કે, આ વિમાનોના એન્જિન નજીકના ભવિષ્યમાં પસંદ કરવામાં આવશે. ઈન્ડિગોએ હાલમાં જ 75 આંતરરાષ્ટ્રીય શહેરોમાં ફ્લાઈટ શરૂ કરી છે અને આંતરરાષ્ટ્રીય સીટ શેર આગામી 2 વર્ષમાં 30 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.












Click it and Unblock the Notifications
