જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે સેનાની અથડામણમાં 3 જવાન શહીદ, સર્ચ ઑપરેશન યથાવત
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ઘાયલ થયેલા સેનાના ત્રણ જવાનોના મોત થયા છે. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ત્રણ ઘાયલ જવાનોએ દમ તોડી દીધો છે. સર્ચ ઑપરેશન હજુ ચાલુ છે."
CRPFના એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાણ જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કૉર્પ્સે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ઓપરેશન હલાણ કુલગામમાં હલાણના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળો દ્વારા 4 ઓગસ્ટ, 2023ના રોજ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. અત્યાર સુધીમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી મળેલા અપડેટ્સ અનુસાર આતંકીઓની શોધમાં ઑપરેશન ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપે શ્રીનગરમાં વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી છે. સવારે 9.30 વાગ્યે નહેરુ પાર્કથી શરૂ થનારી આ વિજય કૂચ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટર સુધી જશે. સાવચેતી રુપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
