Jammu kashmir : જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો બહાલ કરાશે? 6 વર્ષ બાદ કેમ મુદ્દો ફરી ચર્ચામા?
Jammu kashmir : પાંચમી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને આજે છ વર્ષ પૂરા થયા છે.
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેને વિભાજિત કરી દીધો હતો. જો કે, હવે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે તે સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ મામલે એક નવી અરજીના કારણે સુપ્રીમ કોર્ટમાં 8મી ઓગસ્ટે એક મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. આ અરજીમાં કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી છે.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ આ અરજીનો ઉલ્લેખ કર્યો હતો, જેથી સુનાવણી માટે તેની તારીખ નક્કી થઈ શકે. કોર્ટે આ માગણી સ્વીકારી છે અને 8મી ઓગસ્ટે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જો કે, તે સમયે કોર્ટે ટિપ્પણી કરી હતી કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. પરંતુ આ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી.
હવે આ નિર્ણયને 11 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કેન્દ્ર સરકારે આ દિશામાં કોઈ નક્કર પગલાં લીધાં નથી તેવો દાવો કરીને ઝહૂર અહમદ ભટ અને ખુર્શીદ અહમદ મલિકે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.
આ અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તે કેન્દ્રને જલદીથી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવા માટે નિર્દેશ આપે.
કલમ 370 હટાવાયાની છઠ્ઠી વર્ષગાંઠે કોંગ્રેસે પાંચમી ઓગસ્ટને કાળા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરનો દરજ્જો ઘટાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો એ લોકશાહી વિરોધી અને ગેરબંધારણીય પગલું હતું. તેના વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગણી કરશે.
બીજી તરફ દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી વચ્ચે પણ બેઠકો થઈ છે. આ તમામ ઘટનાક્રમો સૂચવે છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાની પુનઃસ્થાપના માટે કોઈ નિર્ણય લઈ શકે છે.
હવે સૌની નજર 8મી ઓગસ્ટની સુપ્રીમ કોર્ટની સુનાવણી પર છે. શું કોર્ટ કેન્દ્રને કોઈ કડક નિર્દેશ આપશે? અથવા કેન્દ્ર સરકાર પોતે રાજકીય દબાણ હેઠળ કોઈ મોટો નિર્ણય લેશે? આ તમામ સવાલોના જવાબની જમ્મુ-કાશ્મીરની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.












Click it and Unblock the Notifications
