Jharkhand Assembly Election 2024: મુખ્યમંત્રી પદ માટે ઝારખંડ કોંગ્રેસે જણાવી ફોર્મુલા, કરી નાંખી મોટી માંગ
Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે.
ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બંને પોતે મજબુત હોવાના દાવા સાથે મુખ્યમંત્રીનું પદ પોતાની પાસે રાખવાનો ઈરાદો ધરાવે છે. જે કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને કોંગ્રેસ બંને ઈન્ડિયા ગઠબંધન હેઠળ એકસાથે ચૂંટણી લડશે, પરંતુ આ પહેલા ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીરે મુખ્યમંત્રી પદને લઈને આપેલા નિવેદનથી ઝારખંડમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ઝારખંડમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં હવે કોંગ્રેસે પણ મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીરે પાર્ટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 25 થી 30 બેઠકો જીતવામાં સફળ થશે, તો તે પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરશે.

આ ઉપરાંત ગુલામ અહેમદ મીરે પક્ષની બેઠકોની સંખ્યા અપેક્ષાઓ કરતાં વધી જાય, તો રોટેશનલ મુખ્યપ્રધાનની ખુરશી માટેની મહત્વાકાંક્ષાઓનો પણ સંકેત આપ્યો હતો. પ્રદેશ પ્રભારીનું આ નિવેદન વર્તમાન સત્તાધારી ઈન્ડિયા ગઠબંધનમાં હલચલ મચાવનારું છે.
કોંગ્રેસ નેતા ગુલામ અહેમદ મીરે આ નિવેદન સંવાદ કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું, જ્યાં બ્લોક પ્રમુખો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ સહિત પાર્ટીના વિવિધ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુલામ અહેમદ મીર અને ડૉ. રામેશ્વર ઓરાં ઉપરાંત છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર હતા.
બેઠકમાં પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ જગાવતા ગુલામ અહેમદ મીરે જણાવ્યું હતું કે, ઘણા સ્તરોથી એવી માંગ ઉઠી છે કે, કોંગ્રેસ પાસે પણ મુખ્યમંત્રી હોવો જોઈએ.
ગુલામ અહેમદ મીરે જણાવ્યું હતું કે, આ ત્યારે જ થઈ શકે, જ્યારે કોંગ્રેસને તે મુજબ બેઠકો મળે. તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને વધુમાં વધુ ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી.
જ્યારે મીડિયાએ કોંગ્રેસના પ્રદેશ પ્રભારીના નિવેદન વિશે પૂછ્યું, ત્યારે કોંગ્રેસ વિધાયક દળના નેતા ડૉ. રામેશ્વર ઓરાને દાવો કર્યો કે, આ બધી બાબતો કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાના હેતુથી કહેવામાં આવી હતી.
આમ જોવામાં આવે તો, કોંગ્રેસ નેતાનું આ નિવેદન જેએમએમ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ચિંતામાં વધારનારું સાબિત થઈ શકે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ઝારખંડમાં કુલ 81 વિધાનસભા સીટો છે, જેના માટે આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની સંભાવના છે. ચૂંટણીની તારીખો જમ્મી કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જાહેર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
