Jharkhand Election 2024 : ઝારખંડમાં હાલના કેટલા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ? જાણો લિસ્ટમાં કેટલા કરોડપતિ?
Jharkhand Election 2024 : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે ફરી એક વખત દાગી ઉમેદવારોની બોલબાલા છે. દાગી ઉમેદવારો જ નહીં પરંતું હાલના ઘણા ધારાસભ્યો સામે પણ કેસ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ઝારખંડ ઈલેક્શન વોચના સંકલિત ડેટા દર્શાવે છે કે ઝારખંડના વર્તમાન ધારાસભ્યો પાસે સરેરાશ 3.76 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

લિસ્ટમાં સૌથી ધનિક ધારાસભ્ય લોહરદગાના ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ છે, જેમની કુલ સંપત્તિ 28 કરોડ રૂપિયા છે. આ પછી પંકીના ધારાસભ્ય કુશવાહા શશિ ભૂષણ મહેતાની કુલ સંપત્તિ 27 કરોડ રૂપિયા છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ઝારખંડના ત્રીજા સૌથી ધનિક ધારાસભ્ય છે. ગાંડે વિધાનસભા બેઠકના ધારાસભ્ય કલ્પના સોરેન પાસે 25 કરોડથી વધુની સંપત્તિ છે, જેમાં 8.7 કરોડની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, 74 વર્તમાન ધારાસભ્યોમાંથી કુલ 50 એટલે કે 68 ટકા કરોડપતિ છે. ભાજપના 26માંથી 19 ધારાસભ્યો કરોડપતિ છે.
બીજી તરફ જેએમએમના 25માંથી 17 ધારાસભ્યો, કોંગ્રેસના 16માંથી નવ ધારાસભ્યો અને AJSU પાર્ટીના ત્રણેય ધારાસભ્યોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
સિલ્લી ધારાસભ્ય સુદેશ કુમાર મહતોએ તેમના આવકવેરા રિટર્નમાં સૌથી વધુ 2.6 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. આ આંકડામાં તેમની, તેમના જીવનસાથી અને આશ્રિતોની સંયુક્ત આવકનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, 74 વર્તમાન ધારાસભ્યોમાંથી 36 એટલે કે 49 ટકા ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 26 વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે અને બે ધારાસભ્યોએ હત્યા સંબંધિત કેસ જાહેર કર્યા છે. એક વર્તમાન ધારાસભ્યએ બળાત્કાર સંબંધિત આરોપો જાહેર કર્યા છે.
ક્રિમિનલ કેસની વાત કરીએ, ભાજપના 26 ધારાસભ્યોમાંથી 13 વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેએમએમના 25 ધારાસભ્યોમાંથી 12 વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે કોંગ્રેસના 16 ધારાસભ્યોમાંથી 8 વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.
રિપોર્ટ અનુસાર, ઝારખંડના 23 ધારાસભ્યોએ તેમની શૈક્ષણિક લાયકાત 12મા ધોરણ સુધી હોવાનું જાહેર કર્યું છે. 47 ધારાસભ્યોએ જણાવ્યું છે કે તેમની લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ છે. આ સિવાય બે ધારાસભ્યો પાસે ડિપ્લોમા છે અને બેએ પોતાને માત્ર સાક્ષર ગણાવ્યા છે.












Click it and Unblock the Notifications
