Jharkhand Election 2024: ઝારખંડમાં બીજેપી-લોજપા વચ્ચે ગઠબંધન થશે કે નહીં? જાણો શું કહ્યું ચિરાગ પાસવાને?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. બીજેપી રાજ્યમાં ચૂંટણી જીતવા સ્થાનિક પાર્ટીઓને સાથે લાવવા પ્રયાસ કરી રહી છે.
બીજેપી સાથે એનડીએનો ભાગ રહેલી લોજપા સાથે ઝારખંડમાં ગઠબંધન થઈ શકે છે. રામવિલાસ પાસના પુત્ર અને લોજપા નેતા ચિરાગ પાસવાને આ મુદ્દે મૌન તોડ્યુ છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ચિરાગ પાસવાને સંકેત આપ્યા છે કે એલજેપી રામવિલાસ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી એનડીએમાં ઝારખંડમાં લડશે કે એકલા તે નિર્ણય રાજ્ય એકમ લેશે.
ચિરાગ પાસવાને કહ્યું કે, જે રાજ્યમાં અમારા નેતા રામવિલાસ પાસવાનનો પ્રભાવ રહ્યો છે ત્યાં તેમની પાસે મજબૂત સમર્થન છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી પાર્ટી ઝારખંડમાં ચૂંટણી લડે. થોડા સમય પછી ખબર પડશે કે ગઠબંધન થશે કે એકલા ચૂંટણી લડીશું. પક્ષ વિસ્તરણ મોડમાં છે અને અમે તેને વિસ્તારવા માંગીએ છીએ.
ચિરાગ પાસવાને કહ્યું કે, આ એ રાજ્ય છે જ્યાં પાર્ટીનું સંગઠન પહેલેથી જ ખૂબ જ મજબૂત છે. ગઈકાલે ઝારખંડમાં જે રીતે અમને પ્રતિસાદ મળ્યો તેને જોતા અમે ઈચ્છીએ છીએ કે અમારી પાર્ટી ચોક્કસપણે ચૂંટણી લડે. ગઠબંધનને લઈને મનમાં ચિત્ર સ્પષ્ટ હોવું જોઈએ. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અમે પાંચ બેઠકો સિવાય કોઈ ચૂંટણી લડી નથી.
ચિરાગ પાસવાને આગળ કહ્યું કે, અમારી પાર્ટી NDA સાથે બિહારમાં 2025 ની ચૂંટણી લડશે, અમને જે પણ સીટો આપવામાં આવશે તેના પર અમે ચૂંટણી લડીશું. અમે ઝારખંડમાં મજબૂત છીએ પરંતુ જરૂરી નથી કે અમે ગઠબંધન સાથે ચૂંટણી લડીએ.
તેમણે કહ્યું કેે, નાગાલેન્ડમાં અમે એકલા હાથે ચૂંટણી લડી છે, જ્યાં અમે ઘણી બેઠકો પર બીજા સ્થાને રહ્યા છીએ, બેઠકો પણ જીતી છે અને પછીથી NDA સરકારને સમર્થન આપ્યું છે. જણાવી દઈએ કે ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે.












Click it and Unblock the Notifications
