પાંચ આરોપી જાણતા હતા કે અંજલિ કાર નીચે ફસાયેલી છેઃ કાંઝાવાલા કેસમાં દિલ્લી પોલીસનો મોટો ખુલાસો
દિલ્લી પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આરોપીએ કબૂલ્યુ છે કે તેમને ખબર હતી કે અંજલિ કારના નીચેના ભાગમાં ફસાઈ ગઈ છે.
Kanjhawala Case: દિલ્લીના ચકચારી કાંઝાવાલા હિટ એન્ડ ડ્રેગ કેસમાં ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે તેમને ખબર હતી કે અંજલિ સિંહ તેમની ગ્રે રંગની મારુતિ સુઝુકી બલેનો કાર નીચે ફસાયેલી છે પરંતુ તેઓ ડરના માર્યા ગાડી ચલાવતા રહ્યા.

આરોપીઓએ કબૂલ્યુ
દિલ્લી પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આરોપીએ કબૂલ્યુ છે કે તેને ખબર હતી કે અંજલિ કારના નીચેના ભાગમાં ફસાઈ ગઈ છે. તેની કબૂલાતના આધારે કેસમાં આઈપીસી કલમ 304 (દોષપૂર્ણ હત્યા નહીં) ઉમેરવામાં આવી હતી. જો કે, આરોપી દ્વારા પોલીસ સમક્ષ ખુલાસો કોર્ટમાં માન્ય નથી. અમિત ખન્ના, દીપક ખન્ના, ક્રિષ્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના પાંચે આરોપીઓ હાલમાં ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં છે. તેમની સામે બિન ઈરાદાપાત્ર હત્યા, જાહેર માર્ગ પર ઝડપથી ગાડી ચલાવવા સહિત વિવિધ ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યા છે.

પાંચ આરોપીઓ ઉપરાંત વધુ બે લોકોની ધરપકડ
દિલ્લી પોલીસે આશુતોષ અને અંકુશ ખન્ના નામના વધુ બે લોકોની એમ કહીને ધરપકડ કરી છે કે તેઓ પાંચ આરોપીઓને બચાવવામાં સામેલ હતા. અંકુશે સુલતાનપુરી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યુ. જ્યારે આશુતોષની ઉત્તર પશ્ચિમ દિલ્લીના બુદ્ધ વિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આશુતોષે 31 ડિસેમ્બરે આ કાર અમિત, કૃષ્ણા, મિથુન અને મનોજને આપી હતી.

શું થયુ હતુ અંજલિ સાથે
31 ડિસેમ્બરની રાતે ન્યૂ યરની પાર્ટી પછી પીડિતા અંજલિ કુમારી તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે પાછી જઈ રહી હતી ત્યારે એક મારુતિ સુઝુકી બલેનોએ તેમને ટક્કર મારી. નિધિ એક બાજુ પડી ગઈ, જ્યારે અંજલિનુ શરીર કારની નીચે ફસાઈ ગયુ અને ઓછામાં ઓછા 14 કિલોમીટર સુધી તેને ઢસડવામાં આવી. જે બાદ તેનુ મોત થયુ હતુ. પોલીસને 1 જાન્યુઆરીના રોજ સવારે 4.30 વાગ્યાની આસપાસ અંજલિની લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર કોઈ કપડા નહોતા.












Click it and Unblock the Notifications
