Karnataka Election : દેવગૌડા 89 વર્ષની ઉમરે JDS માટે મેદાનમાં ઉતરશે, ચૂંટણી પ્રચાર કરવાની જાહેરાત કરી
કર્ણાટકમાં હાલ ચૂંટણી પ્રચાર ચરમ પર છે. તમામ પાર્ટીઓ કર્ણાટક ફતેહ કરવા માટે એક પછી એક પગલા ભરી રહી છે ત્યારે હવે જેડીએસ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીને હવે મહિનો જ બાકી છે ત્યારે જનતા દળ સેક્યુલરે આ વખતે તેમના સૌથી મોટા નેતા એચડી દેવગૌડાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. આ વખતે પણ કર્ણાટકમાં બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળવાનો છે.

2018માં 37 સીટો જીતીને કિંગ મેકર બનેલી જેડીએસે ગઈ વખતે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી અને કુમારસ્વામી સીએમ બન્યા હતા. જો કે કેટલાક ધારાસભ્યોની બગાવતને કારણે સરકાર લાંબુ ચાલી શકી નહીં અને બીજેપીએ સરકાર બનાવી. હવે જેડીએસ આ ચૂંટણીમાં એકલા ઉતરી છે અને સરકાર બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.
જનતા દળ (એસ)ના સૌથી મોટા નેતા એચડી દેવગૌડા 89 વર્ષના હોવા છતાં પાર્ટીને જીત અપાવવા પ્રચાર કરી રહ્યા છે. હવે દેગગૌડાએ જાહેરાત કરી કે તેઓ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર માટે રાજ્યના વિવિધ ભાગોનો પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે તેઓ પ્રચાર માટે પાર્ટીના ગઢ જૂના મૈસૂર પ્રદેશ અને રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા કેટલાક જિલ્લાઓનો વ્યાપક પ્રવાસ કરશે.
એચડી દેવગૌડાએ ચૂંટણી માટે પ્રચાર કરવાની જાહેરાત કરતી વખતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી કોંગ્રેસ અથવા ભાજપ સાથે સરકાર નહીં બનાવે. જેડીએસે દેવેગૌડાનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે હું 10 એપ્રિલ પછી રાજ્યની મુલાકાત લઈશ. તેણે કહ્યું કે, હું જૂના મૈસુર પ્રદેશમાં માંડ્યા, હસન, કોલાર, ચિક્કામગાલુરુ, ચિક્કાબલ્લાપુર, રામનગરા અને તુમકુર મતવિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આ અમારો મજબૂત વિસ્તાર છે.
તેમણે આગળ કહ્યું કે, હું ઉત્તર કર્ણાટકના રાયચુર અને વિજયપુરા જિલ્લાની મુલાકાત પણ લેવાનો છુ. અહીં દુષ્કાળના કારણે ખરાબ રીતે પીડાતા ખેડૂતોને બચાવવા માટે મેં ઘણું કામ કર્યું છે. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચેના વિવાદ વચ્ચે મેં કૃષ્ણા નદીમાંથી પાણી મેળવવાનું પણ કામ કર્યું છે.
બીજી તરફ હાસન વિધાનસભા બેઠક પર ગૌડા પરિવારમાં મતભેદ સામે આવ્યા છે. અહીં ભવાની રેવન્નાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને તે કુમારસ્વામીના વારંવારના પ્રયાસો છતાં તે પીછેહઠ નથી કરી રહી. કુમારસ્વામીએ પહેલેથી જ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે તેને ટિકિટ નહીં અપાય અને તેના બદલે પક્ષના વફાદાર કાર્યકરને મેદાનમાં ઉતારવામાં આવશે.
ભવાની રેવન્ના કુમારસ્વામીના મોટા ભાઈ અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાની પત્ની અને ગૌડાની વહુ છે. તેને તેના પતિ અને પુત્રો પ્રજ્વલ અને સૂરજ રેવન્નાનું સર્મર્થન છે. જેડીએસ 224 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછી 123 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 93 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
