વિપક્ષી એકતાની વાતો વચ્ચે NCP એ કર્ણાટક ચૂંટણી લડવાની જાહેરાત કરી, જાણો કોંગ્રેસને કેટલો મોટો ઝટકો?
રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓ સાથે બેઠકો યોજીને દેશભરની વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હવે શરદ પવારે કોંગ્રેસને કર્ણાટકમાં મોટો ઝટકો આપ્યો છે. એનસીપીએ આખરી સમયે કર્ણાટક ચૂંટણી લડવાની જાહેરાત કરીને કોંગ્રેસની મુશ્કેલી વધારી છે.
હાલમાં જ રાહુલ ગાંધીએ શરદ પવાર અને બીજા વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. હજુ ગઈકાલે જ બેઠક થયા બાદ હવે એનસીપીએ કર્ણાટકમાં 40થી 45 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એનસીપીની આ યોજનાથી કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. હવે સવાલ એ પણ છે કે વિપક્ષી એકતાની વાત કેવી રીતે આગળ ચાલશે?

શરદ પવારનો આ નિર્ણય વિપક્ષી એકતા માટે એક મોટો ફટકો છે. હાલમાં જ એનસીપીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો છે. આ બાબતે વાત કરતા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમારે અમારી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો મેળવવા માટે પગલાં ભરવા પડશે.
ચૂંટણી પંચે કર્ણાટક ચૂંટણી માટે એનસીપીને એલાર્મ ઘડિયાળનો સિમ્બોલ આપ્યો છે. NCP મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી પ્રદેશમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ સાથે ભાગીદારી કરી શકે છે. અહીં મોટી સંખ્યામાં મરાઠી રહે છે.
એનસીપીની હાજરી કોંગ્રેસને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટી તક છે. સત્તાધારી ભાજપ ભ્રષ્ટાચાર અને સત્તા વિરોધી આરોપો સામે લડી રહી છે.












Click it and Unblock the Notifications
