કર્ણાટક ચૂંટણી પરિણામઃ ભગવો છોડી કોંગ્રેસમાં જોડાનાર પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર પાછળ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ આવવા શરૂ થઇ ગયાં છે. આ વખતે હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ ખુબ ચર્ચામાં રહી હતી. જ્યાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને મેદાનમાં ઉતાર્યા છે, ટિકિટ ના મળવાના કારણે જગદીશ શેટ્ટાર ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અત્યારે તેઓ પોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.
જગદીશ શેટ્ટાર ઘણા સમયથી હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટથી ચૂંટણી લડતા આવી રહ્યા છે, પરંતુ ભાજપે આ વખતે તેમની જગ્યાએ મહેશ તેંગિનાકાઇને મેદાનમાં ઉતાર્યા છે. બંને નેતા લિંગાયત સમુદાયમાંથઈ આવે છે, જેમની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા હોય છે. એવામાં ઉમેદવારોના એલાનની સાથે જ આ સીટ પરનો મુકાબલો રસપ્રદ બની ગયો હતો.

1980થી રાજનીતિમાં સક્રિય
જગદીશ શેટ્ટારનો જન્મ કર્ણાટકના કરૂરમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ 1980માં તેઓ જનતા પાર્ટી સાથે જોડાઇ ગયા અને ત્યાંથી તેમની રાજનૈતિક યાત્રાની શરૂઆત થઇ હતી. પછી 1994માં તેઓએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને હુબલી-ધારવાડ સીટને પોતાનો ગઢ બનાવી લીધો.
1994માં જ જગદીશ શેટ્ટાર હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટથી ધારાસભ્ય બન્યા. તેમના નામે 6 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જુલાઇ 2012માં કર્ણાટકમાં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે જગદીશ શેટ્ટારને મુખ્યમંત્રીની ખુરશી મળી. જો કે 2013માં તેમની પાર્ટી સત્તાથી બહાર થઇ ગઇ અને તેમણે રાજીનામું આપવું પડ્યું.
જગદીશ શેટ્ટારની કર્ણાટકમાં સારી પકડ છે. તેમની ટિકિટ કપાતાં હડકંપ મચી ગયો હતો. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ તો તેમના માટે ત્યાં સુધી કહી દીધું હતું કે જો જગદીશ શેટ્ટારને ભાજપ ટિકિટ નહીં આપે તો તેની અસર ઉત્તર કર્ણાટકની 20-25 સીટ પર જોવા મળશે.
કર્ણાટકઃ 10 વર્ષો પાર્ટી ગ્રાફ
પીએમ મોદી માટે ગાઢ પ્રેમ
ભાજપ છોડ્યા બાદ પણ જગદીશ શેટ્ટારના ઘરે અને કાર્યાલયમાં પીએમ મોદી અને અમિત શાહનો ફોટો લગાવેલો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેની ખૂબ ચર્ચા થઇ હતી. જેના પર તેમણે કહ્યું હતું કે મોદી-શાહ માટે તેમના મનમાં આજે પણ સમ્માન છે.












Click it and Unblock the Notifications
